Surat News: કબૂતરને ચણ નાખવાની આદત વૃદ્ધને પડી ભારે, આ બનાવ જાણીને હચમચી જશો

Surat News: કબૂતરને ચણ નાખવાથી પુણ્ય મળે છે એવી આપણે ત્યાં ધાર્મિક માન્યતા છે અને પુણ્ય મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો કબૂતરને ચણ નાખતા હોય…

gujarattak
follow google news
Surat News: કબૂતરને ચણ નાખવાથી પુણ્ય મળે છે એવી આપણે ત્યાં ધાર્મિક માન્યતા છે અને પુણ્ય મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો કબૂતરને ચણ નાખતા હોય છે.  જો તમે પણ કબૂતરને ચણ નાખો તો પછી તમારે સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે કબૂતરના ચરકથી ફેલાતું ઈન્ફેક્શન ક્યારેક જીવલેણ પણ સાબિત થાય છે. આવો જ બનાવ હાલ સુરતમાંથી સામે આવ્યો છે. જેમાં કબૂતરના ચરકથી ફેફસાંમાં ઇન્ફેક્શન થતાં 68 વર્ષીય વૃદ્ધનું મોત નિપજ્યું છે.

દરરોજ કબૂતરને નાખતા હતા દાણા

સુરત શહેરના ઘોડદોડ રોડ પર આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા ટોરેન્ટ કંપનીના નિવૃત્ત કર્મચારી પંકજ દેસાઈ (ઉં.વ 68 વર્ષ) દરરોજ સવારે પૂજા પાઠ કર્યા બાદ ધાબા પર જઈને કબૂતરને દાણા નાખતા હતા. પંકજ દેસાઈને આજથી 2 વર્ષ અગાઉ હાયપર સેન્સિટિવિટી ન્યૂમોનિયાનું ઈન્ફેક્શન થયું હતું. તેમને  કબૂતરના ચરકથી હાયપર સેન્સિટિવિટી ન્યૂમોનિયાની બીમારી થઈ હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.

ફેફસામાં ઈન્ફેક્શનના કારણે અવસાન

સામાન્ય ખાંસી બાદ ધીમે-ધીમે ફેફસામાં ઈન્ફેક્શન વધી જતા તેઓનું ઓક્સિજન લેવલ ઘટવા માંડ્યું હતું. તેઓ છેલ્લા 2 વર્ષથી આ બીમારીથી પીડાઈ રહ્યા હતા,  હાયપર સેન્સિટિવિટી ન્યૂમોનિયાના કારણે ફેફસામાં ઈન્ફેક્શન વધી જતાં તેઓનું અવસાન થયું છે.  કબૂતરને ચણ નાખવાની આપણને સામાન્ય લાગતી પ્રવૃત્તિના લીધે વૃદ્ધનું મોત નીપજતા ભારે ચકચાર મચી ગઇ છે.

શું કહે છે નિષ્ણાંતો?

આ મામલે ફેફસાના રોગોના નિષ્ણાતો જણાવે છે કે, કબૂતરના પીછાં અને ચરકમાં એક પ્રકારનો એન્ટીજન હોય છે જે હવા દ્વારા શ્વાસ વાટે અમુક લોકોના ફેફસામાં જઈને સોજો લઈ આવે છે જે લાંબા ગાળે ન્યુમોનીયા કરે છે. જેને હાઈપર સેન્સિટિવિટી ન્યૂમોનિયા કહેવાય છે. આ ન્યૂમોનિયા ધીમે ધીમે ફેફસાં ડેમેજ કરે છે. જે લોકોના ફેફસાં પહેલાથી ડેમેજ હોય અને મોટી ઉંમરના લોકોએ કબૂતરથી દૂર રહેવું જોઈએ.

બચવાના ઉપાયો

– લોકોએ કબૂતરના સંપર્કમાં ન આવવું જોઇએ
–  કબૂતરની ચરક હોય ત્યાં જવું જોઇએ નહીં
– ઘરની બાલ્કની કે બારીમાં નેટ લગાવી દેવી જોઇએ
– માસ્ક પહેરીને કબૂતરને ચણ નાખવું જોઈએ
    follow whatsapp