સુરત: રાજ્યભરમાં આજે પ્રેમના દિવસ વેલેન્ટાઈન્સ-ડેની ઉજવણી પ્રેમી યુગલો કરી રહ્યા છે. આ વચ્ચે પ્રેમને લાંછન લગાવતો કિસ્સો સુરત શહેરમાં સામે આવ્યો છે. જેમાં યુવતીના પ્રેમમાં પાગલ યુવકે તેની જાસુસી કરવા માટે ટુ-વ્હીલરમાં જીપીએસ ટ્રેકર ફીટ કરી નાખ્યું હતું. યુવતી જ્યાં પણ જાય તેની પાછળ યુવક ત્યાં પહોંચી જતો અને તેને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો. યુવતીએ વાહન સર્વિસ માટે ગેરેજમાં આપ્યું ત્યારે અંદરથી GPS નીકળ્યું, જે જોઈને તેના હોંશ ઉડી ગયા. સમગ્ર મામલે યુવતીએ પરિવારજનોને જાણ કરીને કતારગામ પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
કોલેજિયન યુવતીની ઈન્સ્ટાગ્રામથી યુવક સાથે મિત્રતા થઈ
ઘટનાની વિગતો મુજબ, 19 વર્ષની કોલેજિયન યુવતીની નિકુંજ નામના યુવક સાથે ઈન્સ્ટાગ્રામમાં મિત્રતા થઈ હતી અને બંને ઘણીવાર એકબીજા સાથે વાતો કરતા હતા. જોકે બાદમાં નિકુંજે યુવતીને તેની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે કહેતા યુવતીએ બંનેની જ્ઞાતિ અલગ હોવાથી ના પાડી હતી. જેથી ગુસ્સે થયેલા નિકુંજે તેની કોલેજ પહોંચીને ધમકી આપી હતી કે, ‘જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો તારા અને મારા જે પણ વીડિયો છે તે બધા હું વાઈરલ કરી દઈશ અને તારું જીવવાનું હરામ કરી દઈશ.’ જેથી યુવકની પજવણીથી પરેશાન યુવતીએ તેની માતાને સમગ્ર બાબતની જાણ કરી હતી.
યુવતી જ્યાં જાય ત્યાં પહોંચી જતો પાગલ પ્રેમી
આ બાદ નિકુંજના પરિવારજનોને બોલાવીને તેમણે સમાધાન કર્યું હતું અને નિકુંજે ફરી તેને હેરાન નહીં કરે એવી બાંહેધરી આપી હતી. જોકે તેમ છતાં યુવતી જ્યાં પણ જાય ત્યાં નિકુંજ પહોંચી જતો હતો. આથી તેણે પોતાના વાહનમાં GPS ટ્રેકર હોવાની શંકા ગઈ અને ગેરેજમાં તપાસ કરાવી. જેમાં બેટરી પાસેથી GPS ટ્રેકર મળી આવ્યું. જેથી તેણે પરિવારને ફરી આ અંગે જાણ કરી હતી.
ઘરે આવીને માતા-દાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી
જોકે બીજા દિવસે નિકુંજ તેના ઘરે આવ્યો અને યુવતી, તેની માતા અને દાદી બહાર જઈ રહ્યા હતા, ત્યારે તેમને ગાળો આપી તેમની સાથે ઝપાઝપી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી યુવતીની માતાએ 100 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. જોકે પોલીસ પહોંચતા જ યુવત ત્યાંથી ફરાર થઈ ગયો. સમગ્ર મામલે હાલ તો પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ADVERTISEMENT