સુરત: ગુજરાતમાં આ મહિનામાં જ બાગેશ્વર બાબાના કાર્યક્રમો થવાના છે. જોકે તેમના કાર્યક્રમો પહેલા જ રાજકોટ, અમદાવાદ તથા સુરતમાં તેમનો વિરોધ થઈ રહ્યો છે. આ વચ્ચે સુરતમાં હીરા વેપારી અને અંધશ્રદ્ધા નિવારણનું કામ કરતા જનક બાબરીયાએ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લો પડકાર ફેંક્યો છે અને તે કહે એમ કરી બતાવવા પર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને 1.75 કરોડના હીરા આપી દેવાની તૈયારી દર્શાવી છે.
ADVERTISEMENT
બાગેશ્વર બાબાને સુરતના હીરા વેપારીની ચેલેન્જ
સુરતના હીરા વેપારી જનક બાબરીયાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ કર્યો છે. જેમાં તે બાગેશ્વર બાબાના નામથી જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ આપી રહ્યા છે. તે કહે છે, હું બાબાને ચેલેન્જ કરું છું કે, 26-27 મેના દિવસે જે દરબાર ભરાવાનો છે તેમાં મને સ્ટેજ પર બોલાવીને ચમત્કાર દેખાડે. હું સ્ટેજ પર 500થી 1000 કેરેટના પોલિશ્ડ હીરાનું પેકેટ લઈને જઈશ. એમાં કેટલા નંગ હીરા છે એ પરચા દ્વારા જણાવી આપે તો બાબાની દિવ્ય શક્તિનો સ્વીકાર કરીને આ હીરાનું પેકેટ તેમને ચરણોમાં અર્પણ કરીશ.
સુરતમાં કરશે બાબાનો વિરોધ
આ સાથે તેમણે કહ્યું, 26 અને 27મી મેના રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો સુરતમાં દરબાર ભરાવાો છે. જેમાં ચમત્કાર, અંધશ્રદ્ધા અને દિવ્ય શક્તિની વાતો કરતા હોય છે. અમે તેમનો ખુલ્લો વિરોધ કરીએ છીએ અને 26 અને 27મીએ અમારી ટીમો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવશે. અમે કલેક્ટરને પણ આ કાર્યક્રમને મંજૂરી ન આપવા માટે આવેદન આપવાના છીએ.
અગાઉ અમદાવાદ-રોજકોટમાં પણ થયો વિરોધ
નોંધનીય છે કે, આ પહેલા રાજકોટ તથા અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ થઈ ચૂક્યો છે અને તેમને ખુલ્લો પડકાર આપવામાં આવ્યો છે. ત્યારે સુરતમાં હવે હીરા વેપારી પણ ખુલીને તેમનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે આગામી 26-27મીના રોજ જ્યારે તેઓ સુરત આવશે તો જનક બાબરીયાની ચેલેન્જ સ્વીકારશે કે નહીં.
ADVERTISEMENT