અરવલ્લી: ઊર્જા વિભાગમાં વિદ્યુત સહાયકની ભરતીમાં ઓનલાઈન પરીક્ષામાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો હતો. જે મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાંથી કેટલાક એજન્ટનું નામ ખુલતા પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. ત્યારે ચર્ચા પણ થઈ રહી છે કે, પોલીસ પાસે 44 જેટલા ગેરકાયદેસર નોકરી મેળવનારા કર્મીઓનું લિસ્ટ છે અને મોડાસા-હિંમતનગર રોડ પરની એક વીજ કચેરીમાંથી એક શકમંદ કર્મીની પણ અટકાયત કરી હોવાની માહિતી મળી રહી છે. ઉર્જા કૌભાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થતા અનેક લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
ADVERTISEMENT
નોકરી ઇચ્છુક ઉમેદવારો પાસેથી 15 થી 20 લાખ રૂપિયા ખંખેરી ગેરકાયદેસર રીતે નોકરીમાં પાસ કરાવી દીધાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ કૌભાંડમાં મોડાસાના નિવૃત્ત ઇજનેર ઈશ્વર પ્રજાપતિની ધરપકડ કરી જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. જે બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝીણવટભરી રીતે તપાસ હાથધરી છે. આ વચ્ચે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ સોમવારે સાંજના મોડાસા UGVCL કચેરી અને ગ્રામ્ય UGVCL કચેરીમાં પહોંચી હતી અને 8 જેટલા શકમંદ કર્મચારીઓની નોકરી અંગે માહિતી મેળવી તેમના નામ સરનામાં, સંપર્ક નંબર અને અન્ય વિગતો મેળવી રવાના થઈ હતી. જોકે સુરત ક્રાઈમ બ્રાન્ચ પહોંચી ત્યારે અગાઉથી 8 જેટલા કર્મીઓ ગેરહાજર રહ્યા હતા.
શું છે ભરતી પરીક્ષા કૌભાંડ?
વર્ષ 2020 થી 2021 દરમિયાન રાજ્યની દક્ષિણ ગુજરાત વિદ્યુત કોર્પોરેશન લિમીટેડ DGVCL, મધ્ય ગુજરાત વિદ્યુત કોર્પોરેશન લિમીટેડ (એમજીવીસીએલ), પશ્ચિમ ગુજરાત વિદ્યુત કોર્પોરેશન લિમીટેડ (પીજીવીસીએલ) ઉત્તર ગુજરાત વિદ્યુત કોર્પોરેશન લિમીટેડ (યુજીવીસીએલ) અને ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીક કોર્પોરેશન લિમીટેડ (જીએસઈસીએલ)ના 2156 વિદ્યુત સહાયક (જુનિયર આસીસ્ટન્ટ)ની ભરતી યોજવામાં આવમાં આવી હતી. અમદાવાદ – વડોદરા અને રાજકોટ સહિત સુરતમાં આ અંગે વિવિધ સ્થળે પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમેદવારોને ઓનલાઈન પરીક્ષામાં પાસ કરાવવા માટે એજન્ટોના મેળાપીપણામાં આખે આખી ટોળકી સક્રિય બની હતી.
આ ટોળકી દ્વારા પરીક્ષા કેન્દ્રના માલિકોથી માંડીને કોમ્પ્યુટરના લેબ ઈન્ચાર્જને પણ ષડયંત્રમાં સામેલ કરવામાં આવ્યા હતા. જે સ્થળે ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં કોમ્પ્યુટરોમાં એક વિશેષ સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવામાં આવ્યું હતું. આ સોફ્ટવેરની મદદથી ઉમેદવારના પ્રશ્નપત્રના જવાબો પરીક્ષા કેન્દ્રની બહાર બેસેલ ત્રાહિત વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યા હતા. આમ, ઉમેદવારોને બારોબાર પાસ કરાવવા માટે હાઈટેક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ચોક્કસ ઉમેદવારોને વિવિધ સરકારી વિભાગોમાં નોકરી મેળવવામાં આખે આખું કૌભાંડ રચવામાં આવ્યું હતું. જે અંગે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને જાણ થતાં જ તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રૂપલ સોલંકીએ આ મામલે મીડિયાને માહિતી આપી હતી.
(વિથ ઈનપુટ: હિતેશ સુતરીયા)
ADVERTISEMENT