સુરત: સુરત સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં સપડાઈ રહી છે. હોસ્પિટલમાં હવે રેસિડેન્ટ ડોક્ટરો અને હોસ્પિટલના CMO વચ્ચેનો વિવાદ સામે આવ્યો છે. બંને વચ્ચેની આંતરિક લડાઈમાં દર્દીઓનો મરો થઈ રહ્યો છે. સિવિલમાં સારવાર લેવા આવી રહેલા દર્દીઓની ટ્રિટમેન્ટ કરવાનો પણ તબીબો ઈનકાર કરી રહ્યા છે. એવામાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ લાચાર બન્યા છે.
ADVERTISEMENT
તબીબોએ દર્દીની સારવાર કરવાની ના પાડી દીધી
સુરત સિવિલમાં ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે દર્દીને લવાયો હતો. જેને મેડિસિન વિભાગમાં ખસેડી દેવામાં આવ્યો. પરંતુ ન્યૂરો ફિઝિશિયન ડોક્ટરે દર્દીની સારવાર નહીં કરવામાં આવે તેમ કહીને સારવાર અટકાવી દીધી. એવામાં દર્દીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં કલાકો સુધી બેસી રહેવાની ફરજ પડી હતી. ત્યારે ડોક્ટરો અને હોસ્પિટલ CMO વચ્ચેની લડાઈની અંત ક્યારે આવશે તે જોવાનું રહેશે.
શું છે મામલો?
ખાસ છે કે સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો અને મેનેજમેન્ટ તથા CMO વચ્ચે અવારનવાર ઘર્ષણના બનાવો સામે આવતા હોય છે. એવામાં CMO ડો. શીતલ ખેરડિયા દ્વારા રેસિડેન્ટ તબીબો સામે લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને ટ્રોમા સેન્ટરમાં ફરજ બજાવતા તબીબોએ હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે ગઈકાલે સિવિલના સુપ્રિટેન્ડેન્ટ પર પહોંચ્યા હતા જેમણે તબીબોના આંતરિક પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.
ADVERTISEMENT