સુરત: પેટ્રોલ પંપ પર ઘણા સમયથી છેતરપિંડીના બનાવો સામે આવી રહ્યા છે. મીટરમાં છેડછાડ કરીને ગ્રાહકોને ઓછું પેટ્રોલ આપવાનો કિસ્સો સુરતના ડિંડોલીમાં સામે આવ્યો છે. ગ્રાહકોએ આક્ષેપ લગાવ્યો છે કે ઓછું પેટ્રોલ ભરીને પંપ માલિક ગ્રાહકોને લૂંટી રહ્યા છે. ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા પંપ પર જ બુલેટની ટાંકી ખોલીને પેટ્રોલ કાઢીને બતાવતા પેટ્રોલપંપ માલિકની પોલંપોલનો ભાંડો ફૂટ્યો હતો. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
ઓછું પેટ્રોલ મળતા ગ્રાહકે પોલીસ બોલાવી
વાઈરલ વીડિયો સુરતના ડિંડોલીમાં આવેલા શક્તિ પેટ્રોલપંપનો હોવાનું કહેવાય છે. જેમાં બુલેટ લઈને આવેલા ગ્રાહકે રૂ.300નું પેટ્રોલ ભરાવ્યું હતું. જોકે ઓછું પેટ્રોલ મળ્યાની શંકા જતા તેણે બધાની સામે જ ટાંકી ખોલાવી હતી અને ડોલમાં પેટ્રોલ બહાર કાઢ્યું ત્યારે માત્ર 2 લીટર જેટલું જ પેટ્રોલ નીકળ્યું હતું. ઘટના સામે આવતા પેટ્રોલ પૂરાવા આવેલા લોકોએ પંપ પર ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારે પોતાની ચોરી પકડાઈ જતા પંપ મેનેજરે સમાધાન કરવાની વાત કરી હતી. બીજી તરફ રોષે ભરાયેલા ગ્રાહકે પણ પોલીસ બોલાવી હતી.
અગાઉ પણ પેટ્રોલ પંપ પર બની છેતરપિંડીની ઘટના
નોંધનીય છે કે, સુરતના ડિંડોલીમાં આવેલા શક્તિ પેટ્રોલપંપ પર આ પહેલા પણ ઓછું પેટ્રોલ અપાતા હોવાના ઘણા મામલા સામે આવી ચૂક્યા છે. ગ્રાહકને આ અંગે જાણ થાય અને વિરોધ કરે એટલે પૈસા આપીને સમાધાન કરી લેવાતું હોય છે.
ADVERTISEMENT