સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરત શહેરના પાલ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ એક કાર ચાલકે બીજા કાર ચાલકને કારના બોનેટ ઉપર લટકાવી બે કિલોમીટર સુધી કાર સ્પીડમાં હંકારી ફેરવી હતી. આ ઘટના બાદ સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ડીંડોલી વિસ્તારમાં એક કાર ચાલક અને બાઈક સવાર વચ્ચે થયેલા અકસ્માત બાદ બાઈક સવારની બાઈક કારની નીચે ફસાઈ જવા છતા કાર ચાલકે 800 મીટર સુધી કાર હંકારી હતી. જો કે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
ADVERTISEMENT
ભૂપેન્દ્ર પટેલે સ્થાનિક ધારાસ્યોને દૂર રાખ્યા અને BJPના હોદ્દેદાર-કાર્યકરો સાથે કરી બંધ બારણે બેઠકઃ લોકસભાના પડઘમ
કાર ચાલક સામે ફરિયાદ નથી થઈ!
સુરત શહેરના ડીંડોલી વિસ્તારથી સામે આવ્યા સીસીટીવીમાં જોઈ શકાય છે કે રાત્રે 8:00 કલાકે ગ્રે કલરની એક બ્રિઝા કાર રોડ ઉપરથી સ્પીડમાં પસાર થઈ રહી છે. કારની નીચેથી ચિનગારીઓ નીકળી રહી છે. ડીંડોલી વિસ્તારની શુભ વાટિકા રેસિડેન્સીથી લઈને સુમુખ સર્કલ સુધીના અલગ અલગ સીસીટીવીમાં કાર ચાલકે બાઈકને કારની નીચે ફસાઈ હોવા છતાં કારને હંકારી હોવાનું સામે આવ્યું છે. હોન્ડા સાઈન બાઈક કારની નીચે ફસાઈ હતી એ હોન્ડા સાઈનની પણ હાલત અત્યારે જોઈ શકાય છે. આ ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. તપાસ કરતા માલુમ પડ્યું છે કે બાઈક ચાલકે કાર ચાલકની વિરુદ્ધમાં કોઈપણ પ્રકારની પોલીસ મથકે ફરિયાદ નોંધાવી નથી. જોકે જ્યારે ઘટના બની હતી ત્યારે ડીંડોલી પોલીસ મથકની પીસીઆર ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનામાં બાઈક ચાલકને પણ ઈજા પહોંચી હોવાનું માલુમ પડ્યું છે પણ કોઈ કારણોસર તેઓ આ મામલે ફરિયાદ નથી નોંધાવી.
ADVERTISEMENT