GCAS Portal News: ગુજરાતની યુનિવર્સિટીઓમાં GCAS પોર્ટલ દ્વારા વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ આપવા મુદ્દે ગરબડી થતા હોવાના ABVP દ્વારા આરોપ લગાવીને વિરોધ પ્રદર્શન કરાયું હતું. આ વચ્ચે હવે સુરતમાં ભાજપના જ ધારાસભ્યએ GCAS પોર્ટલથી પ્રવેશ છતાં ખાનગી કોલેજોમાં પૈસા લઈને ભ્રષ્ટાચાર આચરી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાતો હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આટલું જ નહીં ધારાસભ્યએ આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. ભાજપના જ ધારાસભ્યના લેટરબોમ્બથી હવે ખળભળાટ મચી ગયો છે.
ADVERTISEMENT
કોલેજમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને પડી રહી છે મુશ્કેલી
વિગતો મુજબ, સુરતના વરાછાથી ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ GCAS પોર્ટલથી પ્રવેશ મામલે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. કુમાર કાનાણીએ પત્ર લખીને જણાવ્યું છે કે, સેલ્ફ ફાઈનાન્સ કોલેજો મેરિટમાં આવતા વિદ્યાર્થીઓની જગ્યાએ મેરિટ વગરના વિદ્યાર્થીઓને વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ ફાળવી રહી છે.
કોલેજોની મનમાની સામે કરી ફરિયાદ
તેમણે આરોપ લગાવ્યો છે કે, વિદ્યાર્થીઓને મળેલા ઓફર લેટરમાં 16થી 25 જૂન સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરવાનો હતો છતાં કોલેજોએ 16 જૂનના દિવસે જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દીધો અને મેરિટ પ્રક્રિયાનો છેદ ઉદાડી દીધો. આ બાદ મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો. આથી વિદ્યાર્થીઓ અને વાલીઓ અસમંજસમાં મુકાઈ ગયા છે. તો તંત્ર દ્વારા પણ GCAS પોર્ટલ પરથી બધું થતું હોવાનું કહીને હાથ અધ્ધર કરી દીધા છે.
સરકારને કરી ફરિયાદ
કુમાર કનાણીએ પત્રમાં લખ્યા મુજબ, સેલ્ફ ફાઈનાસન્સ કોલેજો આડેધડ પ્રવેશ પ્રક્રિયા કરી રહી છે. આથી મોટા પ્રમાણમાં વચેટીયા ઉભા થતા વિદ્યાર્થીઓ પાસેથી નાણાં ખંખેરીને ભ્રષ્ટાચાર જેવી સ્થિતિ ઊભી થઈ છે. તેમણે માંગ કરી છે કે સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં પ્રવેશની ગેરરીતિ સામે અને મનમાની ન કરે તે માટે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ADVERTISEMENT