સંજયસિંહ રાઠોડ.સુરતઃ ઘણા નેતાઓએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર ફોટો પણ અપલોડ કર્યા હતા. જેમાંથી એક સુરત મહાનગર પાલિકાના ભાજપના કાઉન્સિલર શરદ પાટીલ અને સુરતના કારંજ મતવિસ્તારના AAPના ઉમેદવાર મનોજ સોરઠિયાનો પણ સમાવેશ થાય છે. આ બંને નેતાઓ સામે આચારસંહિતા ભંગનો કેસ નોંધવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ભાજપ નેતા સામે પાંડેસરામાં નોંધાઈ ફરિયાદ
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 28 ના ભાજપના કાઉન્સિલર શરદ પાટીલે મતદાન કર્યા બાદ પોતાની આંગળી પરનું નિશાન બતાવ્યું, જ્યારે બીજા હાથમાં ભાજપ પક્ષનું ચૂંટણી ચિન્હ કમળ બતાવીને સોશિયલ મીડિયા પર વાયરલ થયું. લોકોને ભાજપને મત આપવા અપીલ કરતો વીડિયો મીડિયામાં વાયરલ થયો હતો. ભાજપના કોર્પોરેટરે પાંડેસરા અંબિકા નગર સ્થિત જીવન વિકાસ સ્કૂલમાં ચાલી રહેલી મતદાન પ્રક્રિયાની બહારથી આ વીડિયો બનાવ્યો હતો. તેનો વીડિયો વાયરલ થયા બાદ વિરોધ પક્ષના લોકો સોશિયલ મીડિયા પર તૂટી પડ્યા હતા. તેમણે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓને આ વીડિયો મોકલીને પગલાં લેવાનો પ્રશ્ન પૂછ્યો હતો. જે બાદ ચૂંટણી અધિકારી જતીન રાણાએ ભાજપના કાઉન્સિલર શરદ પાટીલ વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આચારસંહિતા ભંગ બદલ ગુનો નોંધ્યો હતો.
ચૂંટણી ચિન્હ સાવરણીનો પ્રચાર કરવા બદલ AAP ઉમેદવાર સામે ફરિયાદ
તેવી જ રીતે સુરતની કારંજ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનોજ સોરઠીયાએ મતદાન કર્યા બાદ મતદાન મથકની બહાર ઉભા રહીને ફોટો પડાવ્યો હતો અને તે ફોટો ફેસબુક પર પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે મારો મત ઝાડુને. મતદાન મથકની બહાર ફોટો પાડીને AAPના ચૂંટણી ચિન્હ સાવરણીનો પ્રચાર કરવા માટે કરાયેલી પોસ્ટના કારણે ઉમેદવારની આચારસંહિતાનો ભંગ કરવા બદલ સુરતની સાયબર શાખામાં કેસ નોંધવામાં આવ્યો છે.
ADVERTISEMENT