સંજયસિંહ રાજપૂત/સુરત: સુરતમાં બુધવારે સવારે ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી હતી, આ વચ્ચે પણ શહેર ભાજપના મહિલા કોર્પોરેટરે ગર્વ લેતા હોય એમ વરસાદી પાણીના ફોટો સાથેની તસવીર સોશિયલ મીડિયામાં મૂકવાના કારણે ભારે ટ્રોલ થઈ ગયા. મહિલા કોર્પોરેટરે તસવીર સાથે કેપ્શનમાં ‘મારો વિસ્તાર, મારું ગૌરવ’ લખ્યું હતું.
ADVERTISEMENT
વોર્ડ નં.7ના કોર્પોરેટરે ફોટો મૂક્તા થયા ટ્રોલ
સુરતમાં બુધવારે વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એવામાં વોર્ડ નં.7માંથી ચૂંટાયેલા ભાજપના મહિલા કોર્પોરેટર જ્યોતિ પટેલે આ વાતનું જાણે ગર્વ લેતા હોય એમ પોતાના વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીના ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા.
ટ્રોલ થતા કર્યો પોતાનો લૂલો બચાવ
આ ફોટો અપલોડ કરવા સાથે તેમણે સાથે કેપ્શન પણ આવ્યું હતું, #મારોવિસ્તારમારુંગૌરવ. જોકે વરસાદી પાણી ભરાયેલા આ ફોટોમાં લોકો હેરાન થતા હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. એવામાં લોકોએ મહિલા કોર્પોરેટેરને ટ્રોલ કરવાનું શરૂ કરી દેતા, તેમને પણ પોતાની ભૂલનું ભાન થયું હોય એમ પોસ્ટને બાદમાં ડિલીટ કરી નાખી હતી. પરંતુ આ બાબતે પોતાનો લૂલો બચાવ કરતા કહ્યું હતું કે, ફોનમાં બેટરી ઓછી હોવાના કારણે વરસાદી પાણી ભરાયા બાદની કામગીરીના બધા ફોટા અપલોડ કરી શક્યા નહોતા. અડધા જ કલાકમાં અહીં કામગીરી કરવામાં આવી તેના કારણે પાણી ઓસરી ગયા હતા.
ADVERTISEMENT