સુરત: બારડોલી નેશનલ હાઈવે પર શનિવારે એક ગોજારો અકસ્માત સર્જાયો હતો. બારડોલીના બમરોલી નજીક કાર અને ડમ્પર વચ્ચે થયેલી ટક્કરમાં 6 લોકોના મોત નિપજ્યા હતા. મૃતકોમાં મહિલા અને બાળકો પણ શામેલ છે. અકસ્માતને પગલે અરેરાટી વ્યાપી ગઈ હતી. તો ઘટનાને પગલે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ADVERTISEMENT
લગ્ન પ્રસંગથી ઘરે જતા નડ્યો અકસ્માત
વિગતો મુજબ, સુરત-બારડોલી નેશનલ હાઈવે પર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. માહિતી પ્રમાણે બારડોલીના તરસાડી ખાતે લગ્નપ્રસંગમાં હાજરી આપીને 6 લોકો કારમાં પરત જઈ રહ્યા હતા. દરમિયાન રસ્તામાં તેમની કાર ડમ્પર સાથે અથડાઈ હતી. જેમાં કારમાં સવાર 3 મહિલા, 1 બાળકી, 1 પુરુષ અને 1 બાળકનું મોત થયું હતું. મૃતક પરિવાર સુરત જિલ્લાના માંડવીનો હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો. તો પોલીસે પણ ઘટનાસ્થળે આવીને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરમાં પણ છકડો પુલ પરથી પડતા 3ના મોત
નોંધનીય છે કે જામનગરમાં પણ આજે અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 8 લોકોને જામનગર અને ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભાણવડ નજીક જામ રોજીવાળા ગામે છકડો પુલ પરથી નીચે ખાબકતા ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.
ADVERTISEMENT