સુરતઃ સુરત માહિતી વિભાગમાં કામ કરતા બે લાચિંયા બાબુ લાંચરુશવત વિરોધી બ્યૂરો (એસીબી)ના સકંજામાં આવી ગયા છે. સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા બહુમાળી કંપાઉન્ડ બહાર ઝેરોક્ષની દુકાનમાં લાંચ આપવા માટે વ્યક્તિને બોલાવ્યા હતા. જોકે લાંચ લેતાની સાથે જ ભર ઠંડીમાં પરસેવો ચઢે તેવી સ્થિતિ નિર્માણ થઈ ગઈ હતી. એસીબી આવી ગઈ અને બંનેને ઝડપી પાડ્યા હતા.
ADVERTISEMENT
કેમ લીધી લાંચ?
બાબત એવી બની કે એક દૈનિક અખબાર પ્રકાશિત કરવાના વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિ પોતાના અખબારમાં રાજ્ય સરકારની ડિસ્પ્લે જાહેરાત પ્રકાશિત કરવા જાહેર ખબરની પેનલ પરની અરજી રિન્યુઅલ માટે કામગીરી કરાવવા આવ્યા હતા. જોકે તે કામગીરી કરી આપવાની સામે નાનપુરા ખાતેની પ્રાદેશિક માહિતી કચેરીના ક્લાસ 2 અધિકારી એવા સહાયક માહિતી નિયામક કવસિંગ જાલાભાઈ પરમાર અને જુનિયર ક્લાર્ક સતિષ દયારામ જાદવે 5.40 લાખની જંગી રકમ લાંચ પેટે માગી હતી. જોકે રકમના હપ્તા પણ બાંધી આપ્યા હતા જેના પ્રથમ હપ્તા પેટે અડધી રકમ 2.70 લાખ રૂપિયા આજે શુક્રવારે આપવાના હતા.
ઓફીસ નજીકની ઝેરોક્ષની દુકાનમાં બોલાવ્યા
લાંચ આપવા માટે તેમણે આ વ્યક્તિને કચેરી પાસેની સ્વસ્તિક ઝેરોક્ષની દુકાનમાં બોલાવ્યા હતા. જ્યાં રૂપિયાના મોહમાં અંધ બનેલા આ બંનેને એસીબીના છટકાની ગંધ પણ આવી નહીં. બંનેએ આ કામગીરીને લગતી વાતચીત કરી અને ક્લાસ 2 અધિકારીના કહેવાથી જુનિયર ક્લાર્કે 2.70 લાખ રૂપિયાની રકમ લઈ લીધી. બસ પછી શું પુરાવાઓ અને પંચો બધું જ એસીબીની સામે હતું હવે બસ એન્ટ્રી જ કરવાની હતી. એસીબીએ એન્ટ્રી કરતા જ આરોપીના હાથ થરથરવા લાગ્યા. એસીબીએ તાત્કાલીક કાર્યવાહી હાથ ધરી સતિષ અને તેના સાહેબ કવસિંગને ઝડપી લીધા. બંનેને ડિટેઈન કરીને વધુ કાર્યવાહી હાથ ધરી દીધી છે. આ સમગ્ર ટ્રેપના ટ્રેપીંગ અધિકારી પીઆઈ એ કે ચૌહાણ અને મદદનીશ નિયામક આર આર ચૌધરીની દેખરેખ હેઠળ ગોઠવવામાં આવી હતી જેમાં એસીબીને સફળતા મળી હતી.
ADVERTISEMENT