સુરત: સુરત શહેરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઘરમાં રમતા રમતા બાળકી બાથરૂમ સુધી પહોંચી ગઈ અને એસિડ પી લીધું હતું. રસોડામાં રસોઈ બનાવી રહેલી માતાને બાળકીનો રડવાનો અવાજ સંભળાતા તે દોડીને ત્યાં પહોંચ્યા અને દ્રશ્યો જોઈને હચમચી ઉઠ્યા હતા.
ADVERTISEMENT
ઘરમાં રમતા રમતા બાળકી બાથરૂમ સુધી પહોંચી ગઈ
પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના લિંબાયત વિસ્તારમાં મદીના મસ્જિદ પાસે રહેતા પરિવારની 1 વર્ષની બાળકી ઘરમાં રમતા રમતા બાથરૂમમાં પહોંચી ગઈ હતી. બાળકીએ બાથરૂમમાં પડેલી એસિડની બોટલ ખોલીને મોઢામાં નાખી દેતા રડવા લાગી હતી. એવામાં રસોડામાંથી તેની માતા દોડીને ત્યાં પહોંચી હતી અને જોયું તો બાળકીએ એસિડ પી લીધું હતું. બાદમાં બાળકીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. હાલમાં બાળકીની તબિયત નાજુક હોવાનું સામે આવી રહ્યું છે.
અગાઉ બે વર્ષનું બાળક બાલ્કનીમાંથી પટકાતા મોતને ભેટ્યું હતું
ત્યારે માતા-પિતા માટે આ લાલબત્તી સમાજ કિસ્સો છે. ઘરમાં નાનું બાળક હોય ત્યારે એસિડ જેવી વસ્તુઓ તેમના સુધી ન પહોંચે તે રીતે જ રાખવી જોઈએ. બાળકને પણ નજર સામે રાખવું જોઈએ જેથી ભૂલમાં તે કોઈ મોટી મુશ્કેલીમાં ન મુકાય. ઉલ્લેખનીય છે કે, અઠવાડિયા પહેલા જ સુરતના પલસાણા વિસ્તારમાં પહેલા માળેથી 2 વર્ષીય બાળક નીચે પડ્યો હતો. ઘટનાને લઈ બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ બાળકનું મોત નિપજ્યું હતું.
ADVERTISEMENT