Parshottam Rupala Controversy: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા (Parshottam Rupala) દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે. ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. પરસોત્તમ રૂપાલા દ્વારા માફી માંગવામાં આવી હોવા છતાં ક્ષત્રિય સમાજ માફ કરવાના મૂડમાં જરાય નથી. પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં ઠેર-ઠેર આવેદન પત્રો પાઠવવામાં આવી રહ્યા છે. ભાજપના આગેવાનો અને ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj)ની સંકલન સમિતિના આગેવાનો વચ્ચેની બેઠકમાં પણ સમાધાન થયું નથી. આ વચ્ચે હવે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ આગળ આવ્યો છે. કડવા પાટીદારોએ સોશિયલ મીડિયામાં મેસેજ શરૂ કર્યા છે.
ADVERTISEMENT
રૂપાલાના સમર્થનમાં આવ્યા પાટીદારો
કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટીલવાએ ફેસબુક પર પરસોત્તમ રૂપાલાની તરફેણમાં પોસ્ટ કરી છે. જેમાં તેઓએ લખ્યું છે કે 'બે-બે વાર માફી માગ્યા પછી પણ આટલું ઈશ્યું કરે તે વ્યાજબી ન કહેવાય. ચાલો મારા ભાઈઓ અને બહેનો જાગો, અને રૂપાલા સાહેબને સાથ આપો.'
'રુપાલા સાહેબ સાથે આખું ગુજરાત છે'
આ સાથે અન્ય પાટીદાર યુવકોએ પણ રૂપાલાના સમર્થનમાં કોમેન્ટ કરી છે. એક યુઝરે કોમેન્ટ કરી છે કે રુપાલા સાહેબ સાથે આખું ગુજરાત છે. એક યુઝરે લખ્યું છે કે ખોટો ડર ઉભો કરાયો છે, બાકી કોઇ તકલીફ નથી. સોશિયલ મીડિયામાં કડવા પાટીદારોએ મેસેજ શરુ કરતાં વાતાવરણ ગરમાયું છે.
ક્ષત્રિય સમાજની એક જ માંગ
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ગોતામાં રૂપાલા વિવાદને શાંત પાડવા ભાજપ ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક મળી હતી. ક્ષત્રિય સમાજની 92 લોકોની એક ટીમ છે. જેણે આ બેઠકમાં આગેવાનોની રજૂઆત સંભાળી હતી. બેઠક બાદ કરણસિંહે કહ્યું કે, સર્વાનુમતે રજૂઆત કરી કે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા સિવાય કોઈ સમાધાન ક્ષત્રિય સમાજ કરવા માગતો નથી. અમારું પહેલા પણ એ જ સ્ટેન્ડ હતું, અત્યારે પણ એ જ સ્ટેન્ડ છે અને ભવિષ્યમાં પણ આજ સ્ટેન્ડ રહેશે. જ્યાં સુધી રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ, કોર કમિટી, સંકલન સમિતિએ નક્કી કરેલા કાર્યક્રમો ચાલુ રહેશે.
ADVERTISEMENT