અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ અંગે કરવામાં આવેલી આગાહી અનુસાર આજે અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આવુ જ વાતાવરણ હજી પણ આગામી બે દિવસ સુધી રહે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. જેમાં અંગદઝાડતી ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અચાનક આકાશ ગોરંભાવા લાગ્યું હતું. અમદાવાદના બોડકદેવ, માનસી ચાર રસ્તા, વસ્ત્રાપુર, યુનિવર્સિટી, નારણપુરા, નવરંગપુરા, નિકોલ, નારોલ, બાપુનગર, વિશાલા અને નારોલ થી વિશાલા વચ્ચેના વિસ્તારોમાં કમોસમી સામાન્ય વરસાદી છાંટા પણ પડ્યા હતા.
ADVERTISEMENT
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટા અંગેની આગાહી કરવામાં આવી હતી. મહેસાણા અને ગાંધીનગરમાં પણ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. જો કે વરસાદની પેટર્ન પણ વિચિત્ર હતી. એક વિસ્તારમાં વરસાદ હોય તો તેનાથી 1 કિલોમીટરના અંતરે વરસાદ ન હોય તેવું પણ જોવા મળ્યું હતું. જો કે સૌરાષ્ટ્ર, અમદાવાદ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘાડંબર સર્જાયું હતું.
મેઘાડંબર થતા ભારે ગરમી વચ્ચે સામાન્ય રાહત મળી હતી. તડકો ઓછો થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખાસ કરીને અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ બાદ પ્રમાણમાં ઠંડકનો અનુભવ થયો હતો. અંગ દઝાડતી ગરમી વચ્ચે અમદાવાદીઓને સામાન્ય રાહત મળી હતી. જો કે સૌરાષ્ટ્રમાં તો વરસાદની સાથે કરા પડ્યા હતા. અમરેલીના ધારી ગીર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગોવિંદપુરા, સુખપુર અને ક્રાંગસામાં ધોધમાર વરસાદની સાથે કરા પણ જોવા મળ્યા હતા. વરસાદ પણ એવો હતો કે પાણી શેરીઓમાં વહેતા થયા હતા.
હવામાનન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી કમોસમી વરસાદ અને વાદળછાયું વાતાવરણ હોવાની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. ગુજરાતના ખેડૂતોને ફરી એકવાર પાકમાં નુકસાનીનો ભય સતાવી રહ્યો છે. સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂતોને હાલ શિયાળુ પાક બગડ્યા બાદ ઉનાળુ પાક પણ બગડવાની ભીતી સતાવી રહી છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો અને નાગરિકોની માનસિક ગરમી વધી ગઇ છે. તેમને હવે સતત બીજી સિઝનનો પાક પણ નિષ્ફળ થવાની બીક સતાવી રહી છે.
ADVERTISEMENT