અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ પર રૂ.74 કરોડના ખર્ચે તૈયાર થયેલો અટલ ફૂટ ઓવરબ્રિજ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. ઓવરબ્રિજની વચ્ચે લગાવવામાં આવેલા કાચમાં તિરાડી પડી જવાના કારણે તમામ કાચની આસપાસ હવે સ્ટીલની રેલિંગ લગાવી દેવામાં આવી છે. જેમાં ઘાટ કરતા ઘડામણ મોંઘી હોવા જેવી સ્થિતિ સર્જાઈ છે. ફૂટ ઓવરબ્રિજ પર લોકો કાચ પર ઊભા રહીને નીચે પસાર થતી નદીનું પાણી જોઈ શકતા હતા, પરંતુ હવે તેમણે રેલિંગ પાસે ઊભા રહીને જ કાચમાંથી નીચે જોવું પડશે. જોકે ખાસ વાત એ છે કે, અહીં કાચ પર સ્ટીલની રેલિંગ મુકવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
બ્રિજ પર કાચની ફરતે લગાવાઈ સ્ટીલની રેલિંગ
વાત એમ છે કે, અટલ ફૂટ ઓવરબ્રિજ પર લગાવેલા કાચની આસપાસ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સ્ટીલની રેલિંગ લગાવવામાં આવી છે. વિવિધ મીડિયા રિપોર્ટ્સ મુજબ આ રેલિંગ લગાવવા માટે રૂ.4 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે બ્રિજ પર લગાવવામાં આવેલા કાચની કિંમત જ 80 હજાર રૂપિયા છે. આમ કાચને બચાવવા માટે તેનાથી પણ ડબલ કિંમતનો ખર્ચ કરવામાં આવ્યો છે.
1000 કિલો વજન ખમી શકે તેવા કાચ 7 મહિના પણ ન ટક્યા
જ્યારે અટલ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો ત્યારે બ્રિજ પર 8 કાચ લગાવવામાં આવ્યા હતા. જેના પરથી લોકો ચાલી શકે અને નીચે નદીમાં પણ જોઈ શકે તેવી વ્યવસ્થા હતી. આ બ્રિજ 1000 કિલો વજન સહન કરી શકે તેવો પણ દાવો કરવામાં આવ્યો હતો. જોકે બ્રિજના ઉદ્ઘાટનના 7 મહિનામાં જ કાચમાં તિરાડો પડી ગઈ હતી. એવામાં પહેલા તો કાચને કોર્ડન કરી દેવામાં આવ્યા હતા, અને હવે તેની ફરતે ગ્રીલ લગાવી દેવામાં આવી છે.
ADVERTISEMENT