ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 10 પરિણામ આજે જાહેર થઈ ગયું છે. આ વખતે ધોરણ 10નું 64.62 ટકા પરિણામ આવ્યું છે. જેમાં ગુજરાતી ભાષામાં 96 હજાર વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, જ્યારે સૌથી વધુ બેસિક ગણિતમાં 1.96 લાખ વિદ્યાર્થી નાપાસ થયા છે. બોર્ડની વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે. આ સાથે જ ગુજરાત બોર્ડ દ્વારા આ સાથે જ એક વોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેના પર મેસેજ કરીને ફોન પર જ પરિણામ મેળવી શકાશે. આ માટે વિદ્યાર્થીએ 6357300971 પર પોતાનો બેઠક નંબર લખીને મોકલવાનો રહેશે.
ADVERTISEMENT
સુરત જિલ્લાનું સૌથી વધુ પરિણામ
રાજ્યમાં આ વર્ષે કુલ 7.34 લાખ નિયમિત વિદ્યાર્થીઓએ ધો.10ની પરીક્ષા આપી હતી. જેમાંથી આ વર્ષે 6111 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ થયા છે. તો સતત બીજા વર્ષે સુરત જિલ્લાનું સૌથી વધુ 76.45 ટકા પરિણામ આવ્યું છે, તો દાહોદ જિલ્લાનું 40.75 ટકા પરિણામ આવ્યું છે.
157 શાળાનું 0 ટકા પરિણામ
આ વર્ષે 272 શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષે આ સંખ્યા 294 હતી. જ્યારે 1084 શાળાઓનું પરિણામ 30 ટકા કરતા પણ ઓછું આવ્યું છે. તો 157 શાળામાં એકપણ વિદ્યાર્થી પાસ થયા નથી અને તેમનું 0 પરિણામ આવ્યું છે. રિપીટર પરીક્ષાર્થી તરીકે 165690 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 158623 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 27446 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 17.30 ટકા આવ્યું છે.
માતૃભાષામાં 96 હજાર વિદ્યાર્થીઓ નાપાસ
આ ઉપરાંત ખાનગી પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ કુલ 16745 પરીક્ષાર્થીઓ પૈકી 14635 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 1915 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે. તેઓનું પરિણામ 13.09 ટકા આવેલ છે. ગુજરાતી ભાષામાં 625290 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 529004 વિદ્યાર્થી પાસ થયા છે. એટલે કે 15.40 ટકા વિદ્યાર્થી માતૃભાષામાં નાપાસ થયા છે. તો બેસિક ગણિતામાં સૌથી વધુ 1.96 લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
ADVERTISEMENT