ગાંધીનગર: રાજ્યભરમાં આજથી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ વર્ષે ધોરણ 10માં આશરે 9.56 લાખ વિધાર્થીઓ, ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ 10 હજાર વિધાર્થીઓ અને આર્ટ્સ કોમર્સમાં કુલ 5 લાખ 65 હજાર જેટલા વિધાર્થીઓ પ્રથમવાર પરીક્ષા આપશે. તેમાં પણ ખાસ વાત એ છે કે સુરતની લાજપોર જેલમાંથી 27 જેટલા કેદીઓ આ પરીક્ષા આપવાના છે.
ADVERTISEMENT
સુરતની લાજપોર જેલના 27 કેદીઓ પરીક્ષા આપશે
સુરતની લાજપોર જેલમાં બંધ કેદીઓ છેલ્લા 8 મહિનાથી બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા હતા. એક સારા નાગરિક બનવા માટે શિક્ષણ જરૂરી છે એવામાં કેદીઓનું લક્ષ્ય પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને સમાજમાં સારો સંદેશ આપવાનું છે. કેદીઓને પરીક્ષા પાસ કરવા તૈયારી રૂપે વહીવટી તંત્રએ કોચિંગક્લાસ અને વિષય મુજબ ફેકલ્ટી દ્વારા પરીક્ષાનું માર્ગદર્શન અને શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી હતી. ત્યારે આજથી કેદીઓ પણ પોતાના સારા ભવિષ્યની આશા સાથે પરીક્ષા આપતા જોવા મળશે.
‘વિદ્યાર્થીઓને પેટ્રોલ-ડીઝલના ભાવ જેટલા માર્ક્સ આવે’
બીજી તરફ કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ખાસ અંદાજમાં વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્છા આપવાના કારણે ચર્ચામાં આવ્યા છે. તેમણે પરીક્ષા પહેલા ટ્વીટ કરીને કહ્યું કે, દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓને દરેક વિષયમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ જેટલા માર્ક આવે અને બધા વિષયના માર્કનું ટોટલ ગેસના બાટલાના ભાવ જેટલું થાય એજ શુભેચ્છા.
ગુજરાતના 33 જિલ્લામાં ધોરણ 10 ની પરીક્ષા અંતર્ગત 958 પરીક્ષા કેન્દ્રો, ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 525 પરીક્ષા કેન્દ્રો અને વિજ્ઞાન પ્રવાહ માટે 140 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવશે. આ માટે જે તે જિલ્લા શિક્ષણાધિકારીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ કરીને પ્રશ્નપત્રો તેમજ ઉત્તરવહીઓને લઈ જવા તેમજ લઈ આવવા માટેની ખાસ સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે જે તે જિલ્લાના મુખ્ય સેન્ટર પરથી વર્ગ આધારિત સુપરવાઈઝરની ટીમ પણ તૈયાર કરવામાં આવી છે. આ સાથે જે તે સેન્ટર પર સીસીટીવી તેમજ પ્રાથમિક સુવિધાની ચકાસણી કરવામાં આવી હતી.
ADVERTISEMENT