Statue Of Unity ખાતે 3 વિદેશી મહેમાનોનું આગમન, સફેદ સિંહ અને જેગુઆર બન્યા આકર્ષણનું કેન્દ્ર

Statue Of Unity News: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા જંગલ સફારીમાં 2024ના નવા વર્ષમાં ત્રણ મહેમાનોનું આગમન થયું છે. સફેદ સિંહ, જેગુઆર તથા ઉરાંગ ઉટાંગ…

gujarattak
follow google news

Statue Of Unity News: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા જંગલ સફારીમાં 2024ના નવા વર્ષમાં ત્રણ મહેમાનોનું આગમન થયું છે. સફેદ સિંહ, જેગુઆર તથા ઉરાંગ ઉટાંગ હવે જંગલ સફારીમાં પ્રવાસીઓ માટે નવા આકર્ષણનું કેન્દ્ર બનશે. ત્રણ સફેદ સિંહોમાં બે માદા અને એક નરનો સમાવેશ થાય છે, જ્યારે બે જેગુઆરમાં એક નર તથા એક માદા છે. તેવી જ રીતે એક ઉરાંગ ઉટાંગ પણ એકતાનગર ખાતે આવેલ જંગલ સફારીમાં લાવવામાં આવ્યું છે.

જંગલ સફારીમાં 3 સફેદ સિંહ આવ્યા

જંગલ સફારીમાં પહેલાથી જ તેમના રહેવા માટે વિશાળકાય રહેણાંકની ખાસ વ્યવસ્થા કરી લેવામાં આવી હતી. સફેદ સિંહ મુખ્યત્વે આફ્રિકાના ઉપ-સહારીય અને સવાના વિસ્તારોમાં જોવા મળે છે કે જ્યાં ઘાસના મોટા મેદાનો અથવા ગાઢ ઝાડીઓ ધરાવતા જંગલમાં તેઓ રહે છે. સફેદ સિંહો પણ ઝુંડમાં રહે છે. તેમની સરેરાશ વય 14 થી 20 વર્ષ હોય છે. તેમનું વજન 150 થી 250 કિલો સુધી હોય છે અને લંબાઈ સરેરાશ 10 થી 12 ફુટ હોય છે. ત્રણેય સફેદ સિંહોએ પ્રથમવાર પિંજરામાં પગ મૂકતા જ પોતાના વિસ્તારની રેકી કરી અને ઘણી વાર ચક્કર લગાવ્યાં. જંગલ સફારીના ત્રણેય સફેદ સિંહોને સારું વાતાવરણ પુરૂ પાડવા માટે તંત્રએ માંચડા તથા ગુફા જેવી પ્રતિકૃતિઓ બનાવી છે.

જગુઆર દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે

જેગુઆર બિલાડી કુળનું પ્રાણી છે અને મુખ્યત્વે ઉત્તર તેમજ દક્ષિણી અમેરિકામાં જોવા મળે છે. જેગુઆર દેખાવમાં ભારતીય દીપડા જેવો લાગે છે, પરંતુ તેનું શરીર દીપડા કરતા મોટું અને શક્તિશાળી હોય છે. જેગુઆરને પાણી પાસે રહેવું ગમે છે. તેથી જંગલ સફારી તંત્રે જેગુઆરના વાડામાં એક પાણીનું નાનકડું ઝરણું પણ બનાવ્યું છે. રહેણી-કરણી તથા આક્રમકતામાં જેગુઆર વાઘ જેવા જ મનાય છે. જંગલ સફારીમાં જેગુઆરનું પીંજરું ભારતીય દીપડા તથા સફેદ સિંહની વચ્ચે છે. પ્રવાસીઓ તેમને કાચના મજબૂત આવરણની બીજી બાજુથી જોઈ શકે છે.

ઉરાંગ ઉટાંગ માટે વાડામાં ખાસ વ્યવસ્થા

જંગલ સફારીમાં આવેલ ત્રીજા સભ્ય ઉરાંગ ઉટાંગ બાકી બંને શિકારી પ્રજાતિઓ સફેદ સિંહ તથા જેગુઆરથી અલગ પોતાના વાડામાં ધીંગા-મસ્તી કરતા નજરે ચડ્યો. ઉરાંગ ઉટાંગ મુખ્યત્વે ઇન્ડોનેશિયા તેમજ મલેશિયાના જંગલોમાં જોવા મળે છે. ઉરાંગ ઉટાંગ એક વિલુપ્ત થઈ રહેલી પ્રજાતિ છે કે જેનું સંરક્ષણ અને સંવર્ધન કરવું અત્યંત જરૂરી છે.

ઉરાંગ ઉટાંગને જંગલ સફારીમાં શ્રેષ્ઠ વાતાવરણ પૂરૂ પાડવા માટે એક મોટો વિસ્તાર ખાસ ડિઝાઇન સાથે બનાવવામાં આવ્યો છે. આ વાડામાં ઉરાંગ ઉટાંગ માટે ઘણી બધા મજબૂત દોરડા બાંધવામાં આવ્યા છે કે જેથી તેને હરવા-ફરવામાં કોઈ મુશ્કેલી ન પડે.

ત્રણેય પ્રાણીઓ વિલુપ્ત થતી પ્રજાતિના

જંગલ સફારી ખાતે લાવવામાં આવેલ ત્રણેય પ્રજાતિઓના પ્રાણી વિલુપ્ત થતી પ્રજાતિઓ સાથે સંબંધ ધરાવે છે. એવામાં આ પ્રજાતિઓનું સંવર્ધન અને સંરક્ષણ ખૂબ જ જરૂરી છે. જંગલ સફારી ખાતે આ ત્રણેય પ્રજાતિઓના જીવોના સંરક્ષણ તેમજ સંવર્ધન પર પુરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે કે જેથી આ ઇકોસિસ્ટમમાં તેમનો શ્રેષ્ઠતમ વિકાસ થઈ શકે.

(નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)

    follow whatsapp