અરવલ્લી: ગુજરાતમાં કડક દારૂબંધીની વાતો વચ્ચે છાસવારે દારૂ પકડાવાની ઘટનાઓ સામે આવી રહી છે. ક્યારેક બુટલેગરો કારમાં ચોરખાનું બનાવીને તો ક્યારેક અન્ય કોઈ રીતે ગુજરાતમાં દારુ ઘુસાડતા હોય તેવા મામલા સામે આવી ચૂક્યા છે. ત્યારે અરવલ્લીમાં પોલીસની ખાનગી કાર અને દારૂ ભરેલી કાર વચ્ચે અકસ્માત થયો હતો. દારૂ ભરેલી કારનો પીછો કરતા સમયે વિજિલન્સ પોલીસની કારનો અકસ્માત સર્જાયો હતો.
ADVERTISEMENT
વિજિલન્સની ટીમ દારૂ ભરેલી કારનો પીછો કરતી હતી
અરવલ્લીમાં અમદાવાદ પાસિંગની કારમાં દારૂ લઈને જતી હોવાની બાતમી ગાંધીનગર વિજિલન્સને બાતમી મળી હતી. ત્યારે સ્ટેટ વિજિલન્સના મહિલા PI તેમની ટીમ સાથે વોચમાં હતા. ત્યારે બુટલેગર ચકમો આપીને ભાગવાના પ્રયાસમાં હતો. એવામાં વિજિલન્સ ટીમે કારનો પીછો કર્યો હતો. દરમિયાન પોલીસ અને બુટલેગરની કારનો અકસ્માત થયો હતો. જેમાં મહિલા PI અને અન્ય એક કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થતા હતા. જોકે તેમ છતાં કારમાંથી બે બુટલેગરો અને દારૂ ઝડપી પાડ્યો હતો.
દારૂ સાથે બુટલેગરોને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. ખાસ બાબત છે કે, સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી અને વિજિલન્ટની ટીમ ત્યાં પહોંચીને બુટલેગરોને દારૂ સાથે ઝડપી પાડ્યા હતા.
(વિથ ઈનપુટ: હિતેશ સુતરિયા)
ADVERTISEMENT