GST Raid : ગુજરાત ડુપ્લીકેટ બાબતોમાં હવે લગભગ ચીનની સમકક્ષ પહોંચી ચુક્યું છે. ઘી હોય કે અધિકારી તમામ વસ્તુંઓ અહીં ડુપ્લીકેટ મોટા પ્રમાણમાં બની રહી છે. તેવામાં બોગસ બિલિંગ બાબતે પણ ગુજરાત કાઠુ કાઢી રહ્યું છે! આ બોગસ બિલિંગને ડામવા માટે સ્ટેટ GST વિભાગ એક્ટિવ થયો છે. આ અંગે હાથ ધરાયેલા એક મેગા ઓપરેશન અંતર્ગત રાજ્યની અલગ અલગ 37 પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેના પગલે 53 કરોડ રૂપિયાની કરચોરી ઝડપી હતી.
ADVERTISEMENT
67 પેઢી પર દરોડા પાડ્યા તો 37 પેઢીઓ તો માત્ર કાગળ પર જ નિકળી
બોગસ GST બિલીંગને ડામવા માટે ગાંધીનગરમાં સ્ટેટ GST વિભાગ દ્વારા 67 પેઢીઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જે પૈકી 37 પેઢીઓ માત્ર કાગળ પર જ હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદમાં 13, વડોદરામાં 8 અને સુરતમાં 7 બોગસ પેઢીઓ ઝડપાઇ હતી. રાજકોટમાં 5, મોરબીમાં 2, જૂનાગઢ અને ગાંધીધામમાંથી 2 બોગસ પેઢીઓ મળી આવી હતી. 37 પેઢીમાંથી 53 કરોડ રૂપિયાનું બોગસ બિલિંગ ઝડપાયું હતું.
સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા પાડવામાં આવ્યા દરોડા
અત્રે ઉલ્લેખનીય છે કે, જીએસટી વિભાગ દ્વારા હાલમાં ગુજરાતમાં વિવિધ સ્થળો પર એક પછી એક તબક્કાવાર દરોડા પાડી રહ્યું છે. જેના કારણે કરચોરોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. ભાવનગરમાંથી પણ એક વિશાળ બોગસબિલિંગ કૌભાંડ ઝડપી લીધા બાદ વિવિધ હોટલોમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યાર બાદ રેસ્ટોરન્ટ અને ફ્રેંચાઇજીઓ પર પણ દરોડા પડાયા હતા.
ADVERTISEMENT