Ahmedabad Crime News: અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના A બ્લોકમાં વિદેશી (અફગાનિસ્તાન અને ઉઝબેકિસ્તાન) વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગઈકાલે મોડીરાતે યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ નમાઝ પઢી રહ્યા હતા, તે દરમિયાન 150થી વધુ લોકોનું ટોળું હોસ્ટેલમાં ઘુસ્યુ હતું. આ દરમિયાન આ ટોળાએ પથ્થરમારો કર્યો હતો અને હોસ્ટેલની અંદરના રૂમમાં તોડફોડ કરી હતી. તો હોસ્ટેલમાં પાર્ક કરેલા વાહનોમાં પણ તોડફોડ કરી હતી. આ ઘટનામાં 3 જેટલા વિદ્યાર્થીઓને ઈજા પહોંચ્યા તેઓની એસવીપી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ સમગ્ર મામલે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા વિદેશી વિદ્યાર્થીઓને રક્ષણ આપવાની રજૂઆત પોલીસ કમિશનરને કરવામાં આવી છે.
ADVERTISEMENT
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બોલાવી બેઠક
ગુજરાત યુનિવર્સિટીમાં બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સમગ્ર ઘટનાને પગલે અમદાવાદ સર્કિટ હાઉસમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક બોલાવી છે. જેમાં રાજ્યના ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. સમગ્ર ઘટનાનો અહેવાલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માંગ્યો છે.
ટોળાએ વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો
આ મામલે અફઘાનિસ્તાનના એક વિદ્યાર્થીએ જણાવ્યું કે, ગઈકાલે અમારી હોસ્ટેસમાં 150થી વધારે લોકોનું ટોળું ઘુસ્યું હતું, આ ટોળાએ અમારી નમાઝ બંધ કરાવી હતી અને અમને માર્યા હતા. તો હોસ્ટેલના રૂમમાં ઘુસીને તોડફોડ કરી હતી. અમારા વાહન, લેપટોપ સહિતની સામગ્રીમાં કોડફોડ કરી હતી.
પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી
આ બાબતે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનાં PI એસ.આર.બાવાએ જણાવ્યું કે, ગુજરાત યુનિવર્સિટીમાં બબાલ થયાનાં સમાચાર મળતા પોલીસની ટીમ તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તેમજ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની પૂછપરછ હાથ ધરી હતી. હાલ આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.
NSUIએ કુલપતિના રાજીનામાની કરી માંગ
તો NSUIએ જણાવ્યું કે, કુલપતિ યુનિવર્સિટીના વિકાસના મોટા-મોટા દાવા કરે છે, જ્યારે યુનિવર્સિટીની હોસ્ટેલના વિદ્યાર્થીઓ જ સુરક્ષિત નથી. અમારી માંગ છે કે આ ગંભીર ઘટનાને ધ્યાને લઈને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ રાજીનામું આપી દેવું જોઈએ.
ઈનપુટઃ અતુલ તિવારી, અમદાવાદ
ADVERTISEMENT