ગાંધીનગર : ગુજરાતમાં એક પછી એક આશ્ચર્યજકન બનાવો સામે આવતા રહે છે. વ્યાજખોરીના મુદ્દે પોલીસ અને પોલીસની કામગીરી સામે અનેકવાર સવાલો ઉઠી ચુક્યા છે. પોલીસ નાગરિકો પ્રત્યે તો જરા પણ કુણી લાગણી ધરાવતી નથી. માત્ર પૈસા આપનારા વ્યક્તિઓ પ્રત્યે જ કુણી લાગણી ધરાવે છે તેવા આક્ષેપો પણ થતા રહે છે અને આ સર્વવિદિત બાબત છે.
ADVERTISEMENT
પોલીસની આંતરિક ખેંચતાણ હવે નીમ્ન સ્તર સુધી પહોંચી
જો કે હવે જે કિસ્સો સામે આવ્યો તે તેના કરતા પણ વધારે આશ્ચર્યજનક છે. જે પોલીસની આંતરિક ખેંચતાણ તરફ ધ્યાન દોરે છે. હાલમાં જ છોટા ઉદેપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ પર બુટલેગર દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ગંભીર ઘટના બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી હતી. પોતાની ટીમ જઇ રહી છે તેની માહિતી બુટલેગરને કઇ રીતે મળી તેની તપાસ આદરી હતી. જેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા.
ગુજરાત પોલીસના જ જવાનો કરે છે અધિકારીઓની જાસુસી
સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય દ્વારા આ તપાસ ચલાવવામાં આવી રહી હતી. જેમાં ગુજરાત પોલીસના જ કેટલાક જવાનો દ્વારા વિવિધ અધિકારીઓના લોકેશન ટ્રેસ કરવામાં આવીને બુટલેગરોને પહોંચાડવામાં આવતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ લોકેશન ટ્રેસિંગ 1-2 વાર નહી પરંતુ 600 કરતા પણ વધારે વખત થયું હોવાનો ઘટસ્ફોટ થયો છે.
દરોડા પડે તે પહેલા જ અધિકારીઓના લોકેશન બુટલેગરોને મળી જતા
બીજી સૌથી ચોંકાવનારી બાબત છે કે, સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા ક્યાં પડવાના છે તે અંગે માહિતી આ કર્મચારીઓ વહેંચતા હતા. જ્યાં દરોડા પડવાનાં હોય તે બુટલેગરનો સંપર્ક કરીને તેની પાસે નાણાની માંગણી કરાવવામાં આવતી હતી. આ કેસમાં હાલ બે પોલીસ કર્મચારી સસ્પેન્ડ થયા છે. જેમાં એક વ્યક્તિ તો સમગ્ર ગુજરાત પોલીસના વડા આશીષ ભાટીયાનો વહીવટદાર હોવાનું પણ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. હાલ તો ભરૂચ પોલીસના અશોક અને મયુર નામના બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તપાસ હજી પણ આગળ ચાલી રહી છે. આ તપાસમાં અનેક મોટા માથા અને પોલીસ જવાનોના નામ ખુલે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT