ગાંધીનગરઃ દુબઈમાં પકડાયેલા વિનોદ સિંધીનો ભાગીદાર અને વડોદરાના નામી ગેંગસ્ટર મુકેશ હરજાણીની હત્યાનો આરોપી એવો જોગીન્દર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર પરથી ઝડપાઈ ગયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી બાતમીને પગલે હરિયાણા પહોંચેલી ટીમે જોગીન્દરને સરહદના એક ગામમાં સંતાયેલો ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે એસપી નિર્લિપ્ત રાયની આ મોટી સફળતા ગણી શકાય છે કારણ કે આ એવો બુટલેગર હતો જે લગભગ આખા ગુજરાતને દારુ પુરો પાડતો હતો. એક રિપોર્ટ પ્રમાણે તે વર્ષે 500 કરોડનો દારુ ગુજરાતમાં ઠાલવતો હતો. પોલીસે તેને જે રીતે ઝડપ્યો તે મિશન પણ ઘણું રોમાંચક રહ્યું છે. આવો જાણીએ…
ADVERTISEMENT
ગોડાઉનનું જ ભાડું મહિને 50 લાખ ચુકવતો
ગુજરાત પોલીસ દ્વારા નિર્લિપ્ત રાય અને ડીવાય એસપી કે ટી કામરીયાને સ્ટેટ મોનિટરિંગ સેલનો કાર્યભાર સોંપ્યો ત્યારથી માત્ર ગુજરાતના જ બુટલેગર નહીં પરંતુ રાજ્ય બહારથી ગુજરાતના બુટલેગરને સપ્લાય કરતા મોટા સપ્લાયર્સ માટે પણ માથાનો દુખાવો શરૂ થયો હતો. હાલમાં જ પોલીસને ગુજરાતમાં દારુનો મોટો સપ્લાય કરનારો જોગેન્દર પાલ શર્મા અંગે માહિતી મળી હતી. આ જોગેન્દરે વર્ષ 2008માં હરિયાણામાં દારુનો ઠેકો લીધો હતો અને વિશાળ ગોડાઉન બનાવ્યા હતા. મહિને આ ગોડાઉનનું જ માત્ર 50 લાખ રૂપિયા જેટલું જંગી ભાડું તે ચુકવતો હતો.
ભર ઉંઘમાંથી પોલીસે તેને પકડ્યો
ઠેકામાં મળેલો દારુ તેણે ગુજરાતમાં પહોંચાડવા બુટલેગર વિનોદ સિંધિ સાથે હાથ મીલાવ્યા હતા. જે પછી રોજની 5 ટ્રક તો દારુ ગુજરાતમાં ઠાલવતો જ. આમ રોજ ગોઢેક કરોડનો માલ તે ગુજરાતમાં મોકલી દેનારો ખેલાડી હતો. ચૂંટણી દરમિયાન પોલીસે ઝડપેલા આ મોટા માથાને કારણે પોલીસને મોટી સફળતા મળી છે તેવું ચોક્કસ કહી શકાય છે. વર્ષ 2008થી લઈ 2021 સુધી તે ગુજરાતમાં દારુ લાવતો હતો. ઉલ્લેખનીય છે કે જ્યારથી સ્ટેટ મોનિટરિંગની રડારમાં તે આવ્યો ત્યારથી જ તેણે માલ મોકલવાનું બંધ કરી દીધું હતું. જોગેન્દરનું નામ વડોદરાના ગેંગસ્ટર મુકેશ હરજાણીના મર્ડર કેસમાં પણ હતું. એસપી નિર્લિપ્ત રાયની સૂચના હતી કે કોઈ પણ કાળે જોગીન્દરને પકડવાનો છે. બે ટીમ માહિતીને આધારે હરિયાણામાં ત્રણ દિવસથી તેને પકડવા માટે સતત કામગીરી કરી રહી હતી. દરમિયાન તેમને મળેલી માહિતી પ્રમાણે તેમણે ત્યાંથી ઘણા દુર આવેલા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડરના એક ગામે પહોંચવાનું નક્કી કર્યું. પોલીસ જ્યારે ત્યાં પહોંચી ત્યારે વહેલી સવાર હતી ત્યારે જોગીન્દર ઉંઘતો હતો અને પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. પોલીસે તેની પાસેથી 8 લાખ રોકડા અને એક ઈનોવા કાર ઉપરાંત બે ફોન જપ્ત કર્યા છે અને તેને પણ દબોચી લીધો છે.
ADVERTISEMENT