જમ્મુ કાશ્મીરમાં આતંકી સાથે અથડામણમાં ગુજરાતનો સપૂત શહીદ, ગર્ભવતી પત્ની હોસ્પિટલમાં દાખલ

અમદાવાદ: એક તરફ દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારી ચાલી રહી છે. ત્યારે બીજી તરફ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા ને 4 વર્ષ પૂર્ણ થઈ રહ્યા…

gujarattak
follow google news

અમદાવાદ: એક તરફ દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારી ચાલી રહી છે. ત્યારે બીજી તરફ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા ને 4 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના કુલગામમાં શુક્રવારે એક સૈન્ય ઓપરેશન દરમિયાન ત્રણ જવાનો . જેમાંથી એક સુરેન્દ્રનગરના મહિપાલસિંહ વાળા પણ હતા. શહીદ જવાન મહિપાલસિંહના આવતીકાલે રાષ્ટ્રીય સન્માન અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના મોજીદડ ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતા આર્મી જવાન મહિપાલસિંહ વાળા શહીદ થયા છે. શહીદ જવાન મહિપાલસિંહના આવતીકાલે રાષ્ટ્રીય સન્માન અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આવતીકાલે રવિવારે અમદાવાદની સદાશિવ સોસાયટી વિરાટનગર ખાતેથી શહીદ જવાન મહિપાલસિંહની અંતિમયાત્રા નિકળશે. લીલાનગર સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

કાશ્મીરના કુલગામના હલાન જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ સંતાયેલા હોવાની બાતમીના આધારે સુરક્ષાબળોએ એક વિશેષ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકવાદીઓ સાથેની અથડામણમાં ત્રણ જવાનો શહીદ થયા છે. જેમાં મહિપાલસિંહ વાળા ઉપરાંત, બાબુલાલ હરિતવાલ અને વસીમ સરવરનો સમાવેશ થાય છે.

છેલ્લા 8 વર્ષથી  સુરક્ષા દળમાં ફરજ બજાવતા હતા

મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા છેલ્લા 40 વર્ષથી અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં રહે છે અને તેમનો જન્મ પણ અમદાવાદમાં જ થયો છે. મહિપાલસિંહ છેલ્લા 8 વર્ષથી સુરક્ષા દળમાં ફરજ બજાવી રહ્યા છે. તેમની પહેલી પોસ્ટીંગ જબલપુરમાં થઈ હતી જ્યાં તેમણે ચાર વર્ષ ફરજ બજાવ્યા બાદ બીજી પોસ્ટીંગ ચંદીગઢમાં થઈ હતી. ત્યાર બાદ છેલ્લા 6 મહિનાથી તેમની પોસ્ટીંગ જમ્મુ-કાશ્મીરમાં થઈ હતી. જ્યાં તેઓ ગઈકાલે આંતકી સાથેની અથડામણમાં 27 વર્ષની નાની વયે શહીદ થયા હતા.

પત્ની હતી ગર્ભવતી

મહિપાલસિંહ એક મહિના અગાઉ એક મહિનાની રજા લઈને અમદાવાદમાં આવ્યા હતા અને તેમની પત્નીના શ્રીમંતના પ્રસંગમાં પણ હાજર રહ્યા હતા. તેમના ઘરે પારણું બંધાવવાનું છે. આજે તેઓની પત્નીને ડિલેવરી માટે એક તરફ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. મહિપાલસિંહ તેમના આવનારા સંતાનનું મોઢું જોવે તે પહેલા જ અંતિમશ્વાસ લીધા છે.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને ચાર વર્ષ થયા

આતંકવાદીઓ સાથે સૈનિકોની અથડામણ એવા સમયે થઈ રહી છે જ્યારે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાના 4 વર્ષ પૂર્ણ થયા છે. સાવચેતીના ભાગરૂપે અમરનાથ યાત્રા શનિવારે (5 ઓગસ્ટ) સ્થગિત કરવામાં આવી છે.

    follow whatsapp