ધનેશ પરમાર/બનાસકાંઠા: બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઉપલા ખાપા ગામે એક ઘૃણિત ઘટનામાં પુત્ર દ્વારા પિતાને છાતીમાં ધોકો મારી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પુત્ર અને પુત્રવધુ વચ્ચે ચાલતા કજીયામાં પિતા છોડાવવા જતા, ઉશ્કેરાયેલા પુત્રે પિતાની હત્યા કરી નાખી છે. આ મામલે પોલીસે હત્યારા પુત્ર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
પુત્રવધુ સાથે ઝઘડા બાદ તેને માર મારતો દીકરો
આ ઘટનાની વિગતો જોઈએ તો અમીરગઢ તાલુકાના ઉપલા ખાપા ગામે રહેતા બકાભાઇ સાજાભાઈ ડુંગાસીયા પોતાની પત્ની સાથે રાત્રી સમયે તકરાર કરતો હતો. પુત્રની પત્નીને માર મારી રહ્યો હતો, આ કારણે પુત્રવધુને છોડાવવા અને પુત્રને સમજાવા માટે પિતા એવા સાજાભાઇ અણદાભાઈ ડુંગાસીયા ખેતરે પહોંચ્યા હતા. પુત્રને સમજાવવા જતા ઉશ્કેરાયેલા પુત્ર બકાભાઇએ પોતાના જ પિતાના છાતીમાં ધોકો માર્યો હતો, જેથી તત્કાલ પિતાનું મોત થયું હતું.
માતાએ દીકરા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
જોકે વહેલી સવારે અન્ય પુત્ર મુકેશભાઈને આ ઘટનાની જાણ થતા તેઓએ તાત્કાલિક અમીરગઢ પોલીસને સંપર્ક કર્યો હતો અને ઘટનાની જાણ કરી હતી. આ મામલે મૃતકની પત્ની ગુજરીબેને પોતાના પતિની ધોકા વડે હત્યા કરનાર પુત્ર બકાભાઇ વિરૂદ્ધ અમીરગઢ પોલીસ મથકે હત્યાની ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT