હેતાલી શાહ/આણંદ: આજનું યુવાધન ડ્રગ્સના નશામાં સપડાયું છે. અને ખાસ કરીને છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં નશાનો કારોબાર ફૂલ્યો ફાલ્યો હોય એમ એક બાદ એક નશીલા પદાર્થ ઝડપાવાની ઘટનાઓ સામે આવી રહી છે. થોડા સમયથી ગુજરાતમાં સૌથી વધુ ડ્રગ્સ પકડાયા છે. એવામા આણંદ એસ.ઓ.જી પોલીસની ટીમે બાતમીના આધારે 44 ગ્રામ MD ડ્રગ્સ સાથે બે ઈસમોને ઝડપી પાડયા છે. સામરખા ચોકડી પાસેથી ઝડપાયેલ MD ડ્રગ્સ રાજસ્થાનથી જથ્થો લાવી સંદેશર અને બોરીયાવીના શખ્સોને આપવાનું હતું. હાલ તો પોલીસે 4 લાખ 40 હજારનો MD ડ્રગ્સ જપ્ત કરી બન્ને ઈસમો સામે એન.ડી.પી.એસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
આણંદ જીલ્લાના લોકો ડ્રગ્સના રવાડે ચઢે તે પહેલા જ આણંદ એસ.ઓ.જી પોલીસે ડ્રગ્સની હેરાફેરી કરતા તત્વોને ઝડપી પાડ્યા છે. આણંદ એસ.ઓ.જી પોલીસને બાતમી મળી હતી કે, ગ્રે કલરની બલેનો ગાડી નંબર જી.જે 31 એન 6402માં બે ઇસમો બાકરોલનો હિતેષ પટેલ તથા રાજસ્થાનનો બલવીર ઉર્ફે ગોપાલ બિશ્નોઇ એમ.ડી ડ્રગ્સ લઈને અમદાવાદ એક્સપ્રેસ હાઇવેથી સામરખા ચોકડથી આણંદ તરફ આવી રહ્યા છે. જે બાતમીના આધારે એસ.ઓ.જી પોલીસની ટીમ બાતમી વાળી જગ્યા નજીક જઈ વોચમાં ગોઠવાઇ હતી.
દરમ્યાન બાતમી વાળી બલેનો ગાડી આવતા તેને રોકી ગાડી ચેક કરતા બે ઈસમો હિતેષભાઇ પટેલ અને બલવીર ઉર્ફે ગોપાલ બિશ્નોઇ પાસેથી નશીલો એમ.ડી ડ્રગ્સ મળી આવતા એફ.એસ.એલ. અધિકારીની હાજરીમાં તપાસ કરતા આ પદાર્થ એમફેટામાઇન/ એમ્ફેટામાઇન/ ડેરીવેટીવ્સ મેફેડ્રોન જેવાડ્રગ્સ પદાર્થ હોવાનું સામે આવ્યુ હતુ. જેથી એસ.ઓ.જી પોલીસે બંન્ને ઇસમો વિરુધ્ધમાં આણંદ રૂરલ પો.સ્ટેશન ખાતે NDPS ACT ની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓની પુછપરછ કરતા સામે આવ્યુ છે કે, સામરખા ચોકડી પાસેથી ઝડપાયેલ MD ડ્રગ્સ રાજસ્થાનનો ઉપેન્દ્ર બિશ્નોઇએ રાજસ્થાનથી જથ્થો મોકલ્યો હતો. અને આ જથ્થો બોરીયાવીના હિરસિંગ રાજપુરોહીત તથા સંદેસરના નિરમારામ નામના શખ્સોને આપવાનો હતો.
આ ગુનામાં ઝડપાયેલ આરોપી હિતેષભાઇ પટેલ મૂળ અરવલ્લી જીલ્લાના મેઘરજનો અને હાલ આણંદ જીલ્લાના બાકરોલમા રહેતો હોવાનું તથા બલવીર ઉર્ફે ગોપાલ બિશ્નોઇ મૂળ રાજસ્થાનના બાડમેર જીલ્લાના સીવાના ગામનો અને હાલ આણંદ જીલ્લાના બોરીયાવીમા રહે છે. પોલીસે બન્ને ઈસમો પાસેથી એમફેટામાઇન ડ્રગ્સ પદાર્થ 44 ગ્રામ કીમત 4 લાખ 40 હજાર , 2 મોબાઈલ બલેનો કાર, સેલ વાળો વજન કાંટો મળી કુલ 9 લાખ 50 હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.
મહત્વની બાબત એ છે કે, આ શખ્સો ડ્રગ્સ સંદેસર તથા બોરીયાવી સુધી પહોંચાડે એ પહેલા જ ઝડપાઈ ગયો છે. જે આણંદ જીલ્લાના સૌથી મોટી માત્રામા ઝડપાયેલ જથ્થો છે. હાલ પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે કે, આ પહેલા આ ઈસમોએ ડ્રગ્સની હેરાફેરી કરી છે કે કેમ? અને અત્યાર સુધી કોને કોને ડ્રગ્સ પહોંચાડ્યુ છે? તથા આમા અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ?
ADVERTISEMENT