આણંદઃ સ્મૃતિ ઈરાનીને જાહેર મંચ પર જ આ મહિલાએ ગેસના ભાવ વધારે છે તેવું કહી ભાવ ઘટાડવાનું કહી દીધું હતું. જોકે તે પછી સ્મૃતિ ઈરાનીએ પણ તે બાબતમાં જવાબ આપ્યો હતો. આ ઘટના થોડા દિવસો પહેલાની છે પરંતુ આ ઘટનાના શોર્ટ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભરપુર વાયરલ થવા લાગ્યા છે. ગુજરાત ભાજપના પ્રતિસ્પર્ધી રાજકીય પાર્ટીઓ અને તેના નેતાઓ આ વીડિયોને સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ અને ફોર્વર્ડ કરી રહ્યા છે. જેના કારણે હવે આ વીડિયોને પગલે ભાજપના સ્પર્ધકોને ભાજપ પર પ્રહાર કરવાનો વધુ એક મોકો મળ્યો છે.
ADVERTISEMENT
બધા પાટીદારો શ્રીમંત નથીઃ મહિલાનો સ્મૃતિ ઈરાનીને જવાબ
થોડા દિવસ પહેલા 16 નવેમ્બરે બન્યું એવું કે, આણંદમાં મહિલા સંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ભાજપ સરકારમાં મહિલાઓને કઈ રીતે યોજનાઓનો લાભ મળે છે અને મહિલા સુરક્ષા અને મહિલા ઉત્થાન માટે કઈ કઈ યોજનાઓ અને કામો થયા છે તેની માહિતી આપી હતી. તેમના આ જ સંવાદ દરમિયાન એક મહિલાએ પટેલ સમાજને ગેસના બાટલામાં સબસિડી ન મળવાની, સ્કોલરશિપ ન મળવાની વાત કરી તો સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે તમારી માતા ઉમિયા તમને આશીર્વાદ આપે છે, તે ગરીબો માટે છે. મહિલાએ કહ્યું કે દરેક પટેલ શ્રીમંત નથી, કેટલાક અમારા જેવા છે, જેમને 3 બાળકો છે, ઘર ચલાવવું મુશ્કેલ છે, ત્યારે સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે તમે ચૂંટણી પછી આણંદના સાંસદ મિતેશ પટેલનો સંપર્ક કરશો, અમે તેમનાથી જે થશે તે કરીશું. તેથી મહિલા પણ ખુશ થઈ ગઈ અને સ્મૃતિ ઈરાનીનો આભાર માન્યો. આ જ કોલેજમાં ભણતી વિદ્યાર્થીનીઓએ પણ મહિલા સુરક્ષા અને મહિલા સશક્તિકરણ વિશે પ્રશ્નો પૂછ્યા હતા. જેના જવાબ સ્મૃતિ ઈરાનીએ ખૂબ જ નિખાલસતાથી આપ્યા હતા.
મારી ત્રણ દીકરીઓ છે મોંઘવારી ઘણી છેઃ મહિલા
મહિલાએ કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, હું એક પ્રસ્તાવ મુકી શકું છું મોદી સરકાર સામે, કે મારી ત્રણ દીકરીઓ છે અને મોંઘવારી ઘણી વધી ચુકી છે. હવે ગેસ સિલિન્ડરનો ભાવ પણ ઘણો થઈ ગયો છે. બધી જ પરેશાનીઓ થાય છે. મારે ત્રણ દીકરીઓ છે, હું નોકરી પણ કરું છું. જો થોડું ગેસ સિલિન્ડરના ભાવમાં ઓછું થાય તો સારુ લાગશે. મહિલાની વાત પુરી થતા જ ત્યાં હાજર દરેકે ચિચિયારીઓ અને તાળીઓથી તેમને વધાવી લીધા હતા.
મહિલાની વાત પુરી થતા જ સ્મૃતિ ઈરાની બોલ્યા કે તમને કહી દઉં કે…
મહિલાએ જ્યારે પ્રસ્તાવ મુક્યો તેમની વાત પુરી થતા જ તેમણે કહ્યું કે, તમને કહી દઉં કે તમારા પ્રસ્તાવ પર નરેન્દ્રભાઈએ પહેલા જ વ્યવસ્થા કરી લીધી હતી. ઉજ્જવલા યોજના અંતર્ગત 12 ગેસ સિલિન્ડર સુધી દરેક ગેસ સિલિન્ડર પર 200 રૂપિયાની રાહત કરી દીધી હતી. સાથે જ ડીઝલ પેટ્રોલના ભાવ ઘટાડવા માટે બીજા કોઈ રાજ્યની સરકાર પર ભાર ન વધે તે માટે નરેન્દ્રભાઈએ પોતાની જ સરકાર વાળા રાજ્ય પર ભાર કરીને 1 લાખ કરોડની વ્યવસ્થા પોતાની સરકાર તરફથી દેશભરની મહિલાઓ માટે કરી દીધી હતી. રાજ્યને પણ તેમણે આગ્રહ કર્યા અને કહ્યું કે તમારાથી શક્ય હોય તેટલી કપાત કરો. જ્યાં જ્યાં મારી પાર્ટીની સરકાર છે ત્યાં ત્યાં રાજ્ય સરકારોએ ટેક્સ ઘટાડ્યા છે.
તેમણે ઉમેર્યું કે, પણ તમે વિચાર કરો કે આવા સમય પર જ્યારે ભારત 5મી મોટી ઈકોનોમી બનીને આવ્યું છે ત્યારે 3 કરોડથી વધુ ગુજરાતીઓને દર મહિને મફત રાશન ત્રણ મહિના સુધી આપ્યું. વેક્સિનમાં અંદાજે ગણીએ તો પણ 1800 આસ પાસ વ્યક્તિ દીઠ મફતમાં આપી છે. અને નરેન્દ્રભાઈએ ટેક્સનો એક રૂપિયો નથી વધાર્યો. 200 રૂપિયા સિલિન્ડરની રાહત સાથે 1 લાખ કરોડનો બોજો પોતાના માથે લીધા, 80 કરોડ ભારતીયોને મફત રાશન આપ્યું, 200 કરોડ વેક્સીનના ડોઝ મફત આપ્યા. આપણા જ દેશમાં થયું છે બીજા કોઈ દેશમાં થયું નથી.
ગુજરાત વેપાર અને સુરક્ષાની દૃષ્ટીએ પ્રગતિ કરી રહ્યું છેઃ સ્મૃતિ ઈરાની
કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાત કરતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, “ચૂંટણીના મેદાનમાં બ્યુગલ વાગી ગયું છે, જનતા જનાર્દને ગુજરાતમાં નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક માર્જિન સાથે ફરી એકવાર તેઓની પુણ્યતિથિ પર વિજય સુનિશ્ચિત કરશે.ગુજરાત વિકાસના પંથે આગળ વધી રહ્યું છે, ગુજરાત મહિલાઓના સન્માનના માર્ગે આગળ વધી રહ્યું છે, ગુજરાત સારા શિક્ષણમાં પ્રગતિ કરી રહ્યું છે, ગુજરાત વેપાર અને સુરક્ષાની દ્રષ્ટિએ પ્રગતિ કરી રહ્યું છે, ગુજરાત ફરી એક વાર પ્રગતિ કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ અને નેતાઓને સેવા કરવાની તક આપશે, આજે આ વિનંતી કરવા હું સૌની સાથે આનંદમાં આવ્યો છું.”
(વીથ ઈનપુટઃ હેતાલી શાહ, આણંદ)
ADVERTISEMENT