શકિતસિંહ રાજપુત.અંબાજીઃ સ્ટેટ મોનિટરિંગ સેલ અને સ્થાનીક પોલીસની દારુ પર થતી સતત કાર્યવાહીઓને લઈને બુટલેગરોમાં દહેશત ઊભી થઈ છે. જેને પગલે અવાર નવાર અવનવા હથકંડા અપનાવી દારુ ગુજરાતમાં ઘૂસાડવાના પ્રયત્નો આ બુટલેગરો કરવા લાગ્યા છે. જોકે પોલીસ તંત્ર આવા તુક્કાઓને પણ ઝડપી લે છે. છતાં અહીં છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલી કાર્યવાહીઓ પર લોકોમાં શંકાને લઈને ચર્ચાઓ ઉઠી છે. છેલ્લા કેટલાક સમયથી મુદ્દામાલ કે કાર પકડાઈ જાય છે પરંતુ તેની સાથે વ્યક્તિ પકડાતું નથી, ફરાર થવામાં આરોપીને કેવી રીતે તક મળી જાય છે તેને લઈને પણ સવાલો ઊભા થવા લાગ્યા છે. આવી ઘટનાઓ ઉડીને આંખે વળગી રહી છે. છેલ્લા કેટલાક સમયથી વાહન અને મુદ્દામાલ પકડાય પણ ચાલક ફરાર થઈ જવામાં સફળ થવા લાગ્યો છે, જેને બુટલેગરની ચાલાકી કહેવી કે પોલીસની નિષ્ફળતા તે નક્કી કરી શકાતું નથી. ત્યારે વધુ એક વખત સ્ટેટ મોનેટરિંગ સેલની કાર્યવાહી દરમિયાન ચાલક અને ક્લિનર ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે જ્યારે મુદ્દામાલ પકડાઈ ગયો છે.
ADVERTISEMENT
વહેલી સવારે SMCએ સ્થાનીક પોલીસની ઉંઘ બગાડી
શકિતપીઠ અંબાજી દેશનું સૌથી મોટું શક્તિપીઠ છે. રાજસ્થાન અને ગુજરાતની સરહદ ઉપર આવેલું જગતજનની મા અંબાનું ધામ છે. ગુજરાતની સરહદ પુર્ણ થાય છે અને રાજસ્થાનની સરહદ શરુ થાય છે ત્યાં શક્તિપીઠ અંબાજી આવેલું છે. અહીં માં અંબાનું પ્રાચીન મંદિર કરોડો ભકતોનું આસ્થાનું પ્રતીક છે. ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું કોઇ પાલન થતું નથી, તેવું લાગી રહ્યું છે. કારણ કે રાજસ્થાન તરફથી ગુજરાતમાં દારૂ ભરેલી ગાડીઓ મોટા પ્રમાણમાં અવર જવર કરતી હોય છે. અંબાજી અને ગુજરાતમાં ઘણી જ્ગ્યાએ વિદેશી દારૂની હેરાફેરી અને વિદેશી દારૂના સ્ટેન્ડ ચાલતા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. અંબાજી આસપાસનો વિસ્તાર છાપરી અને જાંબુડી બોર્ડર પાસે આવેલો છે એટલે આ બોર્ડર પરથી ચોક્કસ લાઇનો વાળી ગાડીઓ પસાર થઈ રહી છે ત્યારે આજે સવારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
VIDEO: એકબાજુ વરસાદ અને બીજી બાજુ આગ, અરવલ્લીમાં વીજળી પડ્યા બાદ જુઓ કેવી ઘટના બની
ગુજરાતમાં દારૂબંધીનો કાયદો કડક નથી તેવું આ રેડ બાદ લાગી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા દારૂની હેરાફેરી અને વેચાણને રોકવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલની રચના કરવામાં આવી છે. આ મોનીટરીંગ ટીમ ગુજરાતમાં દારૂબંધીને નાથવા માટે જગ્યા જગ્યા પર ટીમો બનાવી પોતાની ફરજ બજાવતી હોય છે. ત્યારે 29/6/23 ના વહેલી સવારે યાત્રાધામ અંબાજીમાંથી એક સ્વિફ્ટ કાર દારૂ ભરેલી ઝડપી પાડી હતી. આ કાર જાંબુડી બોર્ડર પરથી પસાર થઈ હતી. અંબાજી ખાતે વહેલી સવારે આવેલી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અંબાજીથી પાલનપુર માર્ગ પર કાર ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડીને અંબાજી પોલીસની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે. આ આખા ઓપરેશનમાં અંબાજી પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. અંબાજીથી પાલનપુર હાઇવે પરથી સ્વીફ્ટ સફેદ કારમાં લઈ જવાતો વીદેશી દારૂ સ્પેશિયલ મોનીટરીંગ સેલે ઝડપી પાડ્યો છે. જેને કારણે આગામી સમયમાં સ્થાનિક પોલીસ કર્મચારીઓ અથવા અધિકારીને આ રેડને લઈને પરેશાની થાય તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે. વિજિલન્સ ઓફિસર દ્વારા બાતમીના આધારે ગાડીની તપાસ કરતા ગાડીમાંથી દારૂ મળી આવ્યો હતો. કારમાંથી 1487 વિદેશી દારૂની બોટલો અને 96 બિયરની બોટલો ઝડપાઈ હતી. જેની કુલ કિંમત 1 લાખ 80 હજાર સાથે 4 લાખની કિંમતની સ્વીફ્ટ કાર સહીત કુલ 5 લાખ 80 હજારનો મુદ્દામાલ સ્ટેટ મોનીટરીંગ ટીમે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર પ્રક્રિયા સ્પેશિયલ મોનીટરીંગ સેલે પૂરી પાડી હતી. દારૂ ભરેલી સ્વિફ્ટ કારને અંબાજી પોલીસ મથકે લાવવામાં આવી હતી.
કેટલો મુદ્દામાલ પકડાયો
IMFL બોટલ -1487
બિયર ટીન – 96
કિંમત રૂપિયા – 1,80,482
સ્વીફ્ટ ડિઝાયર કાર – 4,00,000
કુલ મુદામાલ – 5,80,482
આરોપી વોન્ટેડ [ફરાર ]
(1) વાહન નંબર જીજે – 5 જે એચ 7783 નો ચાલક ફરાર
(2) વાહન નંબર જીજે – 5 જે એચ 7783 નો વાહનનો ક્લીનર ફરાર
(3) વાહન માલિક
(4) IMFL બોટલ અને બિયર ટીનેજ ના સપ્લાયર
ADVERTISEMENT