હેતાલી શાહ,ખેડા: રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ત્યારે કમોસમી વરસાદે લોકોની ચિંતામાં વધારો કર્યો છે. આ દરમિયાન ગાજ વીજ સાથે વરસાદે વ્યાપક પણે નુકશાન પહોંચાડ્યું છે. આ સાથે જ ખેડાના માતરના બરોડા ગામમાં વીજળી પડતાં 35 થી વધુ ઘેટાં-બકરાંનાં મોત થયા હોવાનું સામે આવ્યુ છે.
ADVERTISEMENT
નડિયાદ સહિત સમગ્ર ખેડા જિલ્લામાં ગત રાત્રે વીજળીના કડાકા તથા વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. જેને લઈને જેઠમાં જ અષાઢી માહોલ જોવા મળ્યો હતો.જોકે કમોસમી વરસાદને પગલે ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. એવામાં ખેડા જિલ્લાના માતર તાલુકાના અનેક ગામડાઓમાં પણ વાવાઝોડા સાથે વરસેલ વરસાદે તારાજી સર્જી છે. ખેડાના માતર તાલુકાના અનેક ગામડાઓમાં અસંખ્ય વૃક્ષો ધરાશાયી થયા છે. તો બીજી તરફ માતર તાલુકાના બરોડા ગામમાં વાવાઝોડા અને વીજળી પડવાથી 25 થી વધુ ઘેટાંના મોત થયા હોવાનું સામે આવ્યું છે. તો કેટલાક ઘરોના પતરા પણ ઉડી ગયા છે. રાત્રિ દરમિયાન વરસેલા વરસાદને કારણે ખેડૂતો સહિત અન્ય લોકોને પણ કમોસમી વરસાદથી ઘણુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. બરોડા ગામમાં તો અનેક ઘરોની ઘરવખરીને પણ નુકસાન થયું છે ત્યારે જે લોકોના પશુઓનું વીજળી પડવાથી મોત થયું છે અને જે લોકોના ઘરોના પતરા ઉડી ગયા છે અને ઘરવખરીને નુકસાન થયું છે તેવા લોકો સરકાર પાસે સહાય આપવાની માંગ કરી રહ્યા છે.
આ અંગે બરોડા ગામના પૂર્વ સરપંચ અજીતભાઈ ના જણાવ્યા અનુસાર,” રાત્રી દરમિયાન જે વાવાઝોડું આવ્યું એમાં અમારા ગામમાં લગભગ ઘણા ઘરો ને જે ગરીબ માણસો છે એને નુકસાન થયું છે. પતરાવાળા ઘર જે છે એમને નુકસાન થયું છે. રાત્રે વીજળી પડવાથી લગભગ 40 થી 50 જેટલા જનાવર મરી ગયા છે. તો અમારા ગામમાં જે નુકસાન થયું છે. એમાં જો સરકાર સહાય કરે તો અત્યારની ભાજપ સરકાર તો સૌથી સારું. કારણ કે ગરીબ લોકોના ઘરના પતરા ઉડીને ક્યાંના કયા જતા રહ્યા છે. અને જાન માલ ને પણ ઘણું નુકસાન થયું છે. એટલે આટલી મારી સરકારને વિનંતી છે.”
ખેડા જિલ્લાના વરસાદી આંકડા
મહત્વનું છે કે ગત રાત્રીએ જિલ્લામાં કમોસમી વરસાદ સ્થાપ્યો હતો જેમાં કઠલાલમા 12 M.M., કપડવંજમા 1 M.M., ખેડામા 12 M.M., ગળતેશ્વરમા 5 M.M., ઠાસરામા 7 M.M., નડિયાદમા 30 M.M., મહુધામા 1 M.M., મહેમદાવાદમા 12 M.M., માતરમા 23M.M. અને વસોમા 4 M.M., મળી કુલ 107 M.M. વરસાદ સમગ્ર જીલ્લામા પડ્યો છે. એક તરફ કમસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે તો બીજી તરફ માતર તાલુકાના બરોડા ગામમાં 25 થી વધુ ઘેટાંઓના મોતને પગલે ચકચાર મચી છે.
ADVERTISEMENT