સિદસરમાં ઉમિયાધામ મંદિર પરિસર બેટમાં ફેરવાયું, વેણુ નદીના ભારે કરંટમાં રાજીશાહી વખતનો બ્રિજ તણાઈ ગયો

દર્શન ઠક્કર/ જામનગર: જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ હેત વરસાવતા નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. તો ઉપરવાસમાં પણ ભારે વરસાદને પગલે જિલ્લાના જળાશયો, નદીઓમાં ભરપૂર…

gujarattak
follow google news

દર્શન ઠક્કર/ જામનગર: જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ હેત વરસાવતા નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. તો ઉપરવાસમાં પણ ભારે વરસાદને પગલે જિલ્લાના જળાશયો, નદીઓમાં ભરપૂર નવા નીરની આવક થઈ છે. બીજી બાજુ જિલ્લાના જામજોધપુરમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા નદીઓ ગાંડીતુર બની છે અને વેણુ નદી નજીક આવેલ ઉમિયાધામ મંદિર પરિસરમાં કેડ સમાં પાણી ભરાતા મંદિર પરિસર બેટમાં ફેરવાયું છે. તો રાજાશાહી વખતનો પૂલ પણ ધરાશાયી થઈ ગયો હતો.

સીદસરની વેણુ નદી બે કાંઠે થઈ
સીદસરની વેણુ નદી બે કાંઠે થતા મંદિર પરિસર સુધી કેર સમા પાણી ભરાયા છે અને મંદિર પરિસર સહિત મંદિર અવર જવર કરાતા માર્ગ બેટમાં ફેરવાયા છે. કડવા પટેલ પાટીદાર સમાજના કુળદેવી શ્રી ઉમિયા માતા મંદિર સિદસર પાસેનો પુલ જોરદાર કરંટમાં ધોવાઈ ગયો હતો. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પ્રભાવિત થયા હતા. બે દિવસ પહેલા રાજકોટના ધોરાજીમાં અનેક કાર અને બાઇક પાણીમાં તરતા જોવા મળ્યા હતા. જામજોધપુરના સીદસર ઉમિયાધામ મંદિર પરિસર પણ પાણીમાં ગરકાવ થતા દર્શનાર્થીઓ સહિત લોકોને ભારે હાલકીનો સામનો કરવો પડ્યો છે.

જામજોધપુરમાં 8 ઈંચથી વધુ વરસાદ
ગઈકાલ સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીના જામનગર જિલ્લાના વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો, જામજોધપુર તાલુકામાં સૌથી વધુ 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. કાલાવડમાં 6 ઇંચ, લાલપુર તાલુકામાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ થયો છે. જામનગર શહેરમાં પણ મોડી રાત્રે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે ધ્રોલ તાલુકામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

સાસોઈ ડેમ ઓવરફ્લો થયો
જામનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે નદીનાળા છલકાયા છે. તેમજ જામનગરની જીવાદોરી સમો સાસોઈ ડેમ મોડી રાત્રે ઓવરફ્લો થતા શહેરીજનો સહિત ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દોઢ ફૂટના અંતરેથી સાસોઈ ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. આ ડેમ જામનગર શહેર અને આસપાસના 34 ગામડાઓને પીવાનું પાણી પૂરું પાડે છે. ડેમ ઓવરફ્લોના રમણીય દ્રશ્યો પણ સામે આવ્યા છે. જ્યારે ડેમ નજીક ન જવા લોકોને તંત્ર દ્વારા સૂચના અપાઈ છે, તેમજ નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે. બીજી બાજુ મોડી રાત્રે શહેરમાં વરસાદ અને ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

વોર્ડ નં.12ના નિચાણવાળા વિસ્તારોના લોકોને પ્રાથમિક શાળામાં આશરો આપવામાં આવ્યો છે. જેમાં ઘાંચીની ખડકી પાસે આવેલ વિસ્તારમાં લોકોના મકાનો પાસે પાણી ફળી વળતા સ્થાનિક કોર્પોરેટરો અસરગ્રસ્તોના વ્હારે આવ્યા હતા અને મોડી રાત્રે લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે તાત્કાલિક વરસતા વરસાદમાં પ્રાથમિક શાળામાં તેઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. . ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જામનગરનો રણજીત સાગર અને રંગમતી ડેમ ઓવરફ્લો થયો છે.

થોડા દિવસો પહેલા જ રણજિતસાગર ડેમ છલકાયો હતો. ત્યારબાદ ગઈકાલે પણ સતત બીજી વખત રણજિત સાગર ડેમ ઓવરફ્લો થયો છે. જેને લઈને રંગમતી અને નાગમતી નદી બે કાંઠે વહી રહી છે. જેમાં હાપા રોડ પરના બેઠા પુલ પર નદીના પાણી ફરી વળ્યાં છે. જો કે, આ પુલ જર્જરિત હાલતમાં હોવાથી તંત્ર દ્વારા તાજેતરમાં પુલ પરની અવર જવર બંધ કરી દેવાઈ હતી. આમ, જામનગર શહેર-જિલ્લાના જળાશયો, નદીઓમાં નવા નિરની ભરપૂર આવક થતા ખેડૂતો સહિત લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

    follow whatsapp