રાજ્યના બોટાદ જિલ્લાના બરવાળામાં આવેલા રોજિદ ગામમાં લઠ્ઠાકાંડમાં 30 જેટલા લોકો મોત થયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અમદાવાદના પીપલજ પાસેથી ફેક્ટરીમાંથી મિથેનોલ સપ્લાય કરવામાં આવતું હતું. લઠ્ઠાકાંડની આ ઘટનામાં બાદ અનેક રાજકીય નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. આ વચ્ચે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપની સરકારને આડેહાથ લેતા ફરીથી રાજ્યમાં દારૂબંધી હટાવવા અપીલ કરી છે. આ માટે તેમણે રાજ્યની જનતા તથા સરકારને દારૂબંધી પર વિચાર કરવા કહ્યું છે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર એક વીડિયો મારફતે શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, આ કહેતા મને શરમ આવે છે કે, વાઈબ્રન્ટ ગુજરાતના નામે કરોડોનો ખર્ચો કરીને આજે ગુજરાતને વાઈબ્રેશન મોડ પર મૂકનારી આ ભાજપની સરકારે આજની પરિસ્થિતિમાં બોધપાઠ લેવો જોઈએ કે આ દારૂબંધી શું ચીજ છે. તારીખ 25 અને 26એ બરવાળા અને ધંધૂકામાં 25-30 લોકો ઝેરી દારૂ પીવાથી મરી ગયા. આ પહેલીવાર નથી બન્યું આ પહેલા અનેક લોકો આવો ઝેરી દારૂ પીને ગુજરાતમાં મરી ગયા છે. હું ગુજરાતની જનતાને અપીલ કરું છું કે મહેરબાની કરીને આ નશાબંધીના નાટકમાંથી બહાર નીકળીએ. વૈજ્ઞાનિક પદ્ધતિએ નશાની નીતિનો અમલ થાય જેમાં આવો ઝેરી દારૂ પીને લોકો મરી ન જાય એની ચિંતા પ્રજાએ અને સરકારે કરવી જોઈએ.
જુઓ શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં દારૂબંધી અંગે શું કહ્યું?
આ સાથે જ શંકરસિંહ વાઘેલાએ બે દિવસ પહેલા છોટા ઉદેપુરમાં ભાજપના જિલ્લા પ્રમુખનો દારૂના નશામાં ફરવાનો વીડિયો વાઈરલ થવા અંગે પણ ટિપ્પણ કરી હતી. તેમણે વધુમાં કહ્યું, ગુજરાતનું કોઈ એવું ગામ નથી જ્યાં દારૂ ન મળતો હોય. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સાવ ખાડે ગઈ છે. છોટા ઉદેપુર જ નહીં સુરતમાં પણ લાખો રૂપિયાનો દારૂ ઠલવાય છે. તેમણે કહ્યું, હું ગુજરાતમાં દારૂબંધીનો પુનર્વિચાર કરવાના મતમાં છું. રાજ્યમાં લાખો લોકો આવો ઝેરી દારૂ પીવાથી મૃત્યુ પામ્યા છે. કોઈને ખબર નથી. એના પરિણામે કરોડોની આવક ગુજરાતમાંથી જાય છે. બીજા રાજ્યો મજા કરે છે. દીવમાં દારૂ મળે, દમણમાં મળે, માઉન્ટ આબુમાં મળે. દારૂબંધી હટાવો અને તેમાંથી આવક આવે તેમાંથી શિક્ષણ મફત આપો, દવાખાનું મફત આપો.
ADVERTISEMENT