અમદાવાદ: રાજ્યભરની તમામ જેલોમાં શુક્રવારે મોડી રાત્રે પોલીસનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સૌથી મહત્વપૂર્ણ મનાતી અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં પણ મોટું તપાસ કરવામાં આવી હતી. જેમાં ગાંજો અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા. ખાસ વાત એ છે કે યુપીનો સૌથી મોટો ગુનેગાર અતીક અહેમદ સાબરમતી જેલમાં કેદ છે. અતીક અહેમદને હાલમાં સાબરમતી સેન્ટ્રલ જેલના હાઈ સિક્યોરિટી ઝોનમાં રાખવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સાબરમતીમાં કેદીઓ પાસેથી મોબાઈલ નીકળ્યા
માનવામાં આવે છે કે અતીક અહેમદે આ જેલમાંથી ઉમેશ પાલની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. સૂત્રોનું માનીએ તો જેલમાં સર્ચ દરમિયાન ગૃહ મંત્રાલયને જાણવા મળ્યું છે કે જેલના કર્મચારીઓ જ જેલમાં રહેલા કેદીઓને મોબાઈલ ફોન પૂરા પાડતા હતા. એવું પણ માનવામાં આવે છે કે આતિક અહેમદને જેલમાં એક મોબાઈલ ફોન પણ આપવામાં આવ્યો હતો, જોકે પોલીસને સર્ચ દરમિયાન હાઈ સિક્યોરિટી ઝોનમાંથી કોઈ વાંધાજનક વસ્તુઓ મળી નથી. સાબરમતી જેલના કેદી અકરમ અબ્દુલ અઝીઝ શેખ પાસેથી ગાંજા મળી આવ્યો છે, સર્ચ દરમિયાન પોલીસને 14 પેકેટ મળી આવ્યા છે.
જેલમાં બેઠા બેઠા અતિક અહેમદે ઉમેશ પાલની હત્યા કરાવી!
જેલમાં કડક સુરક્ષા વચ્ચે કેદીઓ પાસે ગાંજો અને મોબાઈલ કેવી રીતે પહોંચ્યા તે મોટો પ્રશ્ન છે. અતિક અહેમદ સાબરમતી જેલમાં બંધ હોવા છતાં ત્યાંથી પોતાનું નેટવર્ક ચલાવતો હોવાની ચર્ચાઓ ઉઠી હતી. જેલમાં બેઠા બેઠા જ તેણે ઉમેશ પાલની પણ હત્યાનું ષડયંત્ર બનાવ્યું હતું અને તેને અંજામ આપ્ય હતો. એવામાં જેલમાં જે ગંભીર બેદરકારી સામે આવી છે તે જેલ પ્રશાસનની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠાવે છે.
જેલમાં ચિકન પાર્ટી થયાના આક્ષેપ લાગ્યા હતા
આ પહેલા એવી પણ વિગતો સામે આવી હતી કે કુખ્યાત હિસ્ટ્રીશીટર અતિક અહેમદ સાબરમતી જેલમાં ચીકનપાર્ટી કરતો હોવાની અરજી પોલીસકર્મીએ કરી હતી. જેમાં તેને જેલમાં VIP સગવડો મળતી હોવાનો પણ ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. અને પોલીસને આ સુવિધાઓ આપવા પાછળ હપ્તો મળતો હોવાના આક્ષેપ થયા હતા.
ADVERTISEMENT