અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 14 જિલ્લાઓમાં 93 બેઠક પર સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. ઉત્તર અને મધ્યગુજરાતના આ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. આ બે તબક્કાઓમાં આપનો કોઇ મજબુત દાવેદાર લગભગ નથી. જો કે કોંગ્રેસ અને ભાજપના અનેક દિગ્ગજોના ભાવિ નક્કી થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલથી માંડીને નવા નવા રાજનીતિમાં આવેલા હાર્દિક પટેલ અને ભાજપમાં આવ્યા બાદ અલ્પેશ અને અને કોંગ્રેસમાં ગયા બાદ જિગ્નેશના ભાવિનો નિર્ણય આવતી કાલે થશે.
ADVERTISEMENT
ઘાટલોડીયા
અમદાવાદ જિલ્લાની ઘાટલોડિયા બેઠક પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ચૂંટણી લડી રહ્યા છે. ગત્ત ચૂંટણીમાં તેઓ 1.17 લાખ જેવા રેકોર્ડ મતદાનથી જીત્યા હતા. જ્યારે કોંગ્રેસનાં શશિકાંત પંડ્યાને તેમના કરતા અડધા કરતા પણ ઓછા (57 હજાર) મત મળ્યા હતા. આ વખતે કોંગ્રેસે સીએમ ભુપેન્દ્ર પટેલની સામે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞીકને ટિકિટ આપી છે. તો આપ તરફથી વિજય પટેલ હાજર રહેશે.
વીરમગામ
અમદાવાદ જિલ્લામાં જ આવતી વીરમગામ બેઠક પણ આ વખતે હાઇપ્રોફાઇલ છે. અહીં હાર્દીક પટેલને ભાજપે મેદાને ઉતાર્યા છે. જો કે પાટીદાર અનામત આંદોલન સમિતીના આગેવાનો પણ હાર્દીક પટેલની સામે પડ્યા છે. તો કોંગ્રેસ દ્વારા લાખાભાઇ ભરવાડને રિપિટ કરવામાં આવ્યા છે. જો કે PAAS વિરુદ્ધ પડવાને કારણે હાર્દિકની સ્થિતિ વધારે પતલી થઇ ચુકી છે. તેવામાં હાર્દિકના કારણે આ સીટ પર પણ લોકોનું ધ્યાન રહેશે.
વડગામ
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની આ બેઠક પર જિગ્નેશ મેવાણી મેદાને છે. 2017 ની ચૂંટણીમાં કોંગ્રેસના સમર્થનથી અપક્ષ જીતેલા મેવાણી માટે આ વખતનો મુકાબલો આકરો રહેશે. ભાજપે અહીં પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કોંગ્રેસી દિગ્ગજ નેતા મણિલાલ વાઘેલાને મેદાને ઉતાર્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા દલપત ભાટીયાને ટિકિટ અપાઇ છે. તેવામાં જીગ્નેશ મેવાણી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પણ છે. જેથી તેઓ જીતે તે ખુબ જ જરૂરી છે. કોંગ્રેસની શાખ બચાવવા તેમની જીત ખુબ જ જરૂરી છે. 2017 માં 19 હજારના માર્જિનથી જીત્યા ત્યારે કોંગ્રેસે ઉમેદવાર ઉભો નહોતો રાખ્યો, જો કે આ વખતે ભાજપના ઉમેદવાર ઉપરાંત આપ અને AIMIM દ્વારા પણ ઉમેદવાર ઉતારવામાં આવતા ખુબ જ ટફ ફાઇટ છે.
મહેસાણા
ભાજપ સૌથી મજબુત ગઢ મનાય છે. 1990 થી સતત આ બેઠક ભાજપનો ગઢ રહેલી છે. ભાજપે આ વખતે પૂર્વ નાયબ મુખ્યપ્રધાનની ટિકિટ કાપીને મુકેશ પટેલને ઉતાર્યા છે. જે મહેસાણા ભાજપ અધ્યક્ષ હતા. કોંગ્રેસે અહીં પીકે પટેલ અને આપે ભગત પટેલને મેદાને ઉતાર્યા છે. 2017 માં દિગ્ગજ નેતા નીતિન પટેલ હોવા છતા તે માત્ર 7137 જેવી સામાન્ય સરસાઇથી જીત્યા હતા. તેવામાં નીતિન પટેલને કાપવા, આપની એન્ટ્રી અને કોંગ્રેસનો અગ્રેસિવ પ્રચાર પ્રસાર જેવા અનેક પડકારોનો ભાજપને સામનો કરવો પડશે.
ગાંધીનગર દક્ષિણ
2008 ના રેખાંકન બાદ બનેલી આ સીટ પર બે વખત ચૂંટણી થઇ છે. જેમાં બંન્નેમાં ભાજપ જીત્યું છે. જો કે આ વખતે શંભુજી ઠાકોરના બદલે અલ્પેશ ઠાકોરને મેદાને ઉતાર્યા છે. 2017 માં હાર્દિક અને જિગ્નેશ સાથે ભાજપ વિરોધી ચહેરો હવે ભાજપ તરફથી જ લડી રહ્યો છે. આ ઉપરાંત શંભુજી કપાતા કાર્યકર્તાઓમાં પણ રોષ અને અસંતોષ છે. આ ઉપરાંત અલ્પેશનું આ હોમગ્રાઉન્ડ પણ નથી. અલ્પેશનો પહેલાથી જ વિરોધ છે તેવામાં આ સીટ મહત્વની સાબિત થશે. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહના લોકસભા વિસ્તારમાં આ વિસ્તાર આવતો હોવાથી અમિત શાહ અને ભાજપ માટે શાખનો સવાલ છે.
જેતપુર (ST)
જેતપુર વિધાનસભા પર પણ નજર રહેશે. છોટાઉદેપુર જિલ્લાની જેતપુર સીટમાં કુલ 5 વખત થયેલા મતદાનમાં 4 વખત ભાજપ જીતી છે. જો કે આ વખતે અહીં ખુબ જ રસપ્રદ મુકાબલો છે. અહીં ભાજપ તરફથી જયંતિભાઇ રાઠવા, તો બીજી તરફ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને વિપક્ષના નેતા સુખરામ રાઠવા કોંગ્રેસના ઉમેદવાર છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા રાધીકા રાઠવાને પણ ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે.
ADVERTISEMENT