ભાવનગર : જિલ્લામાં રખડતા ઢોરના કારણે બીજુ મોત નિપજ્યું છે. પાલીતાણા તાલુકાના માલપર ગામે રખડતા ઢોરે આતંક મચાવ્યો છે. રખડતા આખલાને કારણે એક યુવક આશાસ્પદ 28 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે કિશોર ગુજરાતી નામનો યુવક ભાવનગરથી દિવાળીની ખરીદી કરીને પોતાના ગામ દુધાળા પરત ફરી રહ્યો હતો. દરમિયાન અચાનક આખલો વચ્ચે આવી જતા 28 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. દિવાળીના દિવસે જ યુવકનું મોત થતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. જ્યારે નાનકડા ગામમાં શોકનો માહોલ છવાયો હતો.
ADVERTISEMENT
રખડતા ઢોર અંગે ફરિયાદો છતા ચૂંટણીને કારણે તંત્ર મૌન
ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક ખુબ જ વધી ગયો છે. ગામ હોય કે શહેર લોકો ત્રાહીમામ પોકારી ચુક્યાં છે. 28 વર્ષના યુવકનું મોત નિપજતા પરિવાર ઉપરાંત બે પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. કિશોર ગુજરાતી નામનો આ યુવક ભાવનગર ખરીદી કરવા માટે ગયો હતો. દુર્ઘટના બની હતી. પરિવારના લોકોમાં હાલ ભારે રોષ છે.
ભાવનગરમાં 1 જ દિવસ પહેલા આધેડનું મોત નિપજ્યું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારે પણ રખડતા ઢોરના કારણે એક આધેડે જીવ ગુમાવવો પડ્યો હતો. શહેરના વડવા ખડીય કુવા પાસે બનાવ બન્યો હતો. ઢોરે અડફેટે લેતા પરેશભાઇ નારણભાઇ વાળેગા નામનાં વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જો કે સરકાર ઢોર પકડવાની કામગીરીના અનેક બણગા ફુંકી ચુકી છે. આ અંગે હાઇકોર્ટે પણ સરકારની ઝાટકણી કાઢી હોવા છતા સરકાર આ મુદ્દે ચોક્કસ સમાજની લાગણી ન દુભાય તે માટે મૌન છે અને લોકોનાં જીવ જઇ રહ્યા છે.
ADVERTISEMENT