સુરત: સુરતમાં એસ.ડી જૈન સ્કૂલમાં મોટી બેદરકારી સામે આવી છે. સ્કૂલના સ્વીમિંગ પુલમાં વધુ માત્રામાં ક્લોરિન છોડાતા એક વિદ્યાર્થી બેભાન થઈ ગયો હતો. જેથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે વિદ્યાર્થીના પિતાએ પોલીસ ફરિયાદ દાખલ કરતા કોચ અને કોન્ટ્રાક્ટરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
કોન્ટ્રાક્ટરની બેદરકારીથી વિદ્યાર્થીનો જીવ જોખમમાં મૂકાયો
સુરતના વેસુ વિસ્તારમાં આવેલી એસ.ડી જૈન સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતો એક બાળક પોતાના મિત્રો સાથે સ્વિમિંગના પીરિયડમાં સ્વિમિંગ પૂલમાં પડ્યો હતો. જોકે આ દરમિયાન કોન્ટ્રાક્ટરે બેદરકારીથી ક્લોરિંગનો પ્લાન્ટ ચાલુ કરી નાખ્યો હતો, જેથી પાણીમાં ક્લોરિનનું પ્રમાણ વધવા લાગ્યું હતું. એવામાં વિદ્યાર્થી બેભાન થઈ ગયો હતો. ઘટના બાદ વિદ્યાર્થીના પરિવારને જાણ કરાઈ હતી અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તે સ્વસ્થ થઈ ગયો, પરંતુ આ ગંભીર બેદરકારીને લઈને વાલીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
કોચ અને કોન્ટ્રાક્ટરની ધરપકડ કરાઈ
સમગ્ર મામલે પોલીસ સુધી ફરિયાદ થતા પોલીસે બેદરકારી દાખવનારા કોન્ટ્રાક્ટરની સાથે કોચની પણ ધરપકડ કરી હતી. હાલમાં કોન્ટ્રાક્ટરને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યો છે. જોકે સમગ્ર મામલે સ્કૂલ તરફથી કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT