Vadodara News: રાજકોટમાં 25 મેના રોજ બનેલી દુર્ઘટના બાદથી તંત્ર જાગી ગયું છે. આ દુર્ઘટના બાદ RTO અને શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે સાવચેતીના ભાગરૂપે એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ પણ સ્કૂલ બસ કે વાનમાં ઠશો-ઠશ બાળકોને ભરવામાં આવશે, તો સ્કૂલ સાથે સ્કૂલ વાન અને બસ સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ વચ્ચે હાલ વડોદરાથી માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે.
ADVERTISEMENT
વાનમાંથી રોડ પર પટકાઈ વિદ્યાર્થિની
વાસ્તવમાં વડોદરાના માંજલપુર વિસ્તારમાં ચાલુ ગાડીએ બે વિદ્યાર્થિનીઓ રોડ પર પટકાઈ હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ શાળાએ જતા વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વાનના ડ્રાઈવરે પાછળનો દરવાજો યોગ્ય રીતે બંધ ન કર્યો હોવાથી બે વિદ્યાર્થિનીઓ વાનમાંથી નીચે પડી જાય છે. જે બાદ આજુબાજુના લોકો એકઠા થઈ જાય છે અને નીચે પડી ગયેલી વિદ્યાર્થિનીને ઉભી કરે છે. તો વાનની સ્પીડ પણ વધારે હોય તેવું લાગી રહ્યું છે. આ બનાવ જ્યાં બન્યો તે સોસાયટીનો વિસ્તાર હોવાથી વિદ્યાર્થિનીને વધારે ઈજા થઈ નથી.
વાનનના ચાલકો કરી રહ્યા છે નિયમોની ઐસી કી તૈસી
આ વીડિયો જોઈને તમારો પણ શ્વાસ અધ્ધર થઈ જશે. આ વીડિયો વડોદરાના માંજપુર વિસ્તારમાં આવેલી તુલસી શ્યામ સોસાયટીનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો 19 જૂનનો છે. જોકે, આ સ્કૂલવાનના ચાલક સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં તેના વિશે કોઈ માહિતી સામે આવી નથી. નોંધનીય છે કે, ગુજરાત સરકાર સ્કૂલ વાન સામે એક્શન લઈ રહી છે, છતાં કેટલાક સ્કૂલવાનના ચાલકો પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને નિયમોનો સરેઆમ ઉલાળીયો કરી રહ્યા છે.
વાન ચાલક સામે કરાશે કાર્યવાહીઃ પોલીસ
આ મામલે પોલીસે કહ્યું છે કે, સ્કૂલવાનના ચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે. વાહન ચાલકના લાયસન્સને સસ્પેન્ડ કરવામાં આવશે. આ ઘટના 19 જૂનના રોજ બની હતી. બંને વિદ્યાર્થિનીઓને પગના ભાગે ઈજા થઈ છે.
ઈનપુટઃ દિગ્વિજય પાઠક, વડોદરા
ADVERTISEMENT