ધનેશ પરમાર/બનાસકાંઠા: અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ નજીકથી પસાર થતી બનાસ નદી ઉપરવાસના ગામોમાં વસવાટ કરતા પરિવારના બાળકોને અભ્યાસ માટે ઘુંટણ સમા નદીના પાણીમાંથી જીવના જોખમે પસાર થવું પડે છે. કાકવાડા ગામમાં ધોરણ 1 થી 8 સુધી શાળા છે. પરંતુ 206 વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં 60 જેટલા વિદ્યાર્થીઓ નિત્ય પોતાના ઘરેથી સ્કૂલનું અંતર કાપવા આવતાં અને જતા નદીના વહેતા પ્રવાહમાંથી ભયજનક રીતે પસાર કરે છે. સરકારના ભણશે ગુજરાતના કલરફુલ સૂત્ર પર આ દ્રશ્યો કાલીખ પોતી રહ્યા છે. કેમકે આ ભૂલકાઓ સરસ્વતી સાધના શું નિત્ય જીવના જોખમે કરશે? શું આ રીતે ભણશે ગુજરાત ?
ADVERTISEMENT
જીવના જોખમે અભ્યાસ કરે છે બાળકો
જીવના જોખમે અભ્યાસ અર્થે માથે દફતર મૂકીને ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થતા આ વિદ્યાર્થીઓ ગુજરાતના ગામડાઓમાં કઢળેલી શિક્ષણ વ્યવસ્થા અને રોડ રસ્તાની બિસમાર હાલતની ગવાહી પુરે છે. દર ચોમાસે આ બાળકો અને તેમના વાલીઓ સરકારને આ સમસ્યાનો અંત લાવવા આજીજી કરી રહ્યા છે. દર વર્ષે જ્યારે વરસાદી માહોલ સર્જાય છે અને બનાસ નદીમાં પાણીનું વહેણ ચાલતું હોય ત્યારે નદી પાર રહેતા બાળકોએ અભ્યાસ કરવા માટે નદીના વહેણમાંથી માથે દફતર ઉપાડીને નદીમાંથી પસાર થવું પડે છે. વાલીઓએ પણ પોતાના બાળકોને જોખમી નદી પસાર કરાવવી પડે છે પરંતુ જ્યારે નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય ત્યારે બાળકોનું ભણતર બગડે છે. આ સમસ્યા વર્ષોથી ચોમાસાની ઋતુ દરમિયાન સર્જાય છે બનાસ નદીમાં પાણી વધારે હોય એટલે વિદ્યાર્થીઓ બે થી ત્રણ માસ સુધી અભ્યાસથી વંચિત રહે છે પરંતુ આજ દિન સુધી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવતો ના હોવાથી બાળકો સહિત નદી પાર વસવાટ કરતા પરિવારને ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે.
10 જેટલા ગામના રહીશોને ચોમાસામાં ભારે હાલાકી
ગુજરાત સરકારના ભણશે ગુજરાતના દાવાઓમાં કેટલી સત્યતા છે. તેની આ નરી વાસ્તવિકતા બનાસકાંઠાના કાકવાડા ગામમાં જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં જ્યાં દર ચોમાસામાં ભારે વરસાદમાં બાળકો જીવના જોખમે અભ્યાસ માટે શાળામાં જવા મજબુર બન્યા છે. જ્યારે ભારે વરસાદ આવે અને વચ્ચે આવતી બનાસ નદી જો ચાલુ થઈ જાય તો બાળકો અભ્યાસથી પણ અનેક દિવસો સુધી વંચિત રહે છે. કાકવાડા પ્રાથમિક શાળામાં નદી પાર વિસ્તારમાંથી 60 જેટલા બાળકો અભ્યાસ માટે કાકવાડા આવે છે. જે તમામ બાળકોને નદીમાં વહેતા પાણીમાંથી પસાર થવું પડે છે, જ્યારે ગ્રામજનો કાકવાડા ગામ નજીક બનાસનદીના પટમાં કોઝવે કે પછી નાળું બનાવવા માટે તંત્ર સહિત અનેક રાજકીય નેતાઓને અનેક વખત રજુઆત કરેલી છે. પરંતુ આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો ન હોવાથી દર વર્ષે ચોમાસા ની ઋતુમાં જીવના જોખમે નદીમાંથી વિદ્યાર્થીઓની સાથે ગામ લોકોને પણ પસાર થવું પડે છે. નદીમાં પાણીથી વિદ્યાર્થીઓનો અભ્યાસ તો બગડે જ છે સાથે સાથે નદી પાર રહેતા અને કાકવાડા ગામના પશુપાલકો પણ પરેશાન છે. પશુપાલકોને પણ નદી પાર કરી અને આવ-જા કરવી પડે છે. કાકવાડા નદીના પટમાંથી અમીરગઢ જવા માટે 10 જેટલા ગામ સંકળાયેલા છે અને 10 જેટલા ગામોની અવરજવર છે જોકે નદી પર કોઝવે ન બનતા પશુપાલકો રાહદારીઓ અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાય છે.
60 જેટલા વિદ્યાર્થીઓ ઘૂંટણ સમા પાણીમાં થઈને સ્કૂલે જાય છે
કાકવાડા પ્રાથમિક શાળાના આચાર્ય હરેશભાઈના કહેવા મુજબ, આ શાળાની અંદર ધોરણ 1થી 8 ના 60 વિદ્યાર્થીઓ આવે છે. જ્યારે ચોમાસાનું સિઝન હોય છે અને નદીમાં પાણી વધારે હોય છે ત્યારે આ વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે અને પાણી ઓછરતા જ આ વિદ્યાર્થીઓ નદી પાર કરીને શાળાએ આવે છે.
કોઝવે બનાવવા ત્રણ વર્ષ અગાઉ જાહેરાત થઈ
કાકવાડા ગ્રામજનોની છેલ્લા કેટલાય વર્ષોથી કોઝવે બનાવવાની માગણી છે ત્રણ વર્ષ અગાઉ પણ કોઝવે બનાવવાની જાહેરાત થઈ હતી. પરંતુ તે માત્ર કાગળ પર હતી જોકે અત્યારે જિલ્લાનું માર્ગ અને મકાન વિભાગ હવે કોઝવે બનાવવાની તૈયારી કરે છે. સરકારમાં દરખાસ્તને મંજૂરીની મહોર લાગતા બનાસ નદીના વહેણમાં કાકવાડાને જોડતો કોજવે ટૂંક જ સમયમાં શરૂ થશે અને ગ્રામજનોને વર્ષોથી પડતી મુશ્કેલીમાંથી છૂટકારો મળશે.
પશુપાલકોને ઘાસચારો લાવવામાં પણ મુશ્કેલી
કાકવાડા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ નદીના પાણીમાંથી જીવના જોખમને અભ્યાસ કરવા માટે મજબૂર છે ત્યારે પશુપાલકોને રાહદારીઓને પણ એટલી જ મુશ્કેલી છે વર્ષોથી આ માગણી સંતોષાથી નથી અને દર વર્ષે ચોમાસામાં વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે અને દર વર્ષે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવે છે ત્યારે હવે જોવું એ રહ્યું કે વાત માત્ર કાગળ પર રહેશે કે પછી કામગીરી શરૂ થશે.?.
ADVERTISEMENT