છોટા ઉદેપુર: ગુજરાતમાં દીકરીઓની સલામતી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. છોટા ઉદેપુરમાં ચાલુ જીપમાં વિદ્યાર્થિનીઓ સાથે છેડતી થતા તેમણે જીપમાંથી છલાંગ મારી દીધી હતી. જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તો ઘટના બાદ જીપ પણ પલટી ગઈ હતી.
ADVERTISEMENT
જીપમાંથી કૂદતા વિદ્યાર્થિનીઓ ઈજાગ્રસ્ત
વિગતો મુજબ, છોટા ઉદેપુર જિલ્લાના કોસીંદ્રામાં આવેલા કુંડીયા ગામની 6 વિદ્યાર્થિનીઓ શ્રી ટી.વી વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી. શાળામાંથી છૂટ્યા બાદ તેઓ ખાનગી જીપમાં ઘરે આવવા માટે નીકળી હતી. આ દરમિયાન જીપમાં અંદર બેઠેલી વ્યક્તિઓ આ વિદ્યાર્થિનીઓની છેડતી શરૂ કરી દીધી હતી. જેથી ગભરાઈને બાળકીઓએ ચાલુ જીપમાંથી નીચે કૂદકો મારી દીધો હતો. જેમાં ચાર વિદ્યાર્થિનીઓને નસવાડી CHCમાં સારવાર માટે ખસેડવામાં આવી છે, જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓને વડોદરા રીફર કરવામાં આવી છે.
છોકરીઓના કૂદ્યા બાદ જીપે પલ્ટી મારી
તો બીજી તરફ વિદ્યાર્થિનીઓના કૂદ્યા બાદ જીપ પણ પલ્ટી મારી ગઈ હતી. પોલીસે જીપ ચાલક અશ્વિન ભીલની અટકાયત કરી હતી. તે ઈજાગ્રસ્ત હોવાથી તેને સારવાર માટે સંખેડા લઈ જવાયો છે. તો તેના સાથીદારો ફરાર થઈ ગયા હતા. વિદ્યાર્થિનીઓ સાથે છેડતીનો બનાવ સામે આવતા માતા-પિતામાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. હાલમાં પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે.
(ઈનપુટ: નરેન્દ્ર પેપરવાલા, છોટા ઉદેપુર)
ADVERTISEMENT