બધા મોરચે વિફળ તો પણ ભજીયા ભાવે? યુનિવર્સિટી પ્રોફેસરે કવિતા લખીને સસ્પેંશન વહોર્યું

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલી રહે છે. જો કે હવે ગુજરાતી ભવનના એક પ્રોફેસર વિવાદિત કવિતાના કારણે સસ્પેન્ડ થયા છે. યુનિવર્સિટીમાં…

Saurashtra University

Saurashtra University

follow google news

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલી રહે છે. જો કે હવે ગુજરાતી ભવનના એક પ્રોફેસર વિવાદિત કવિતાના કારણે સસ્પેન્ડ થયા છે. યુનિવર્સિટીમાં ચાલતા એક કૌભાંડ અંગે પ્રોફેસરે કવિતા લખી હતી. જેના કારણે તેઓને ઘરે બેસવાનો વારો આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત તેઓના કેમ્પસ પ્રવેશ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા મનોજ જોષી વિરુદ્ધ ખાતાકીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લીક અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અનેકવાર ચર્ચામાં આવતી રહે છે. હાલમાં જ આત્મીય યુનિવર્સિટી સંકુલના 33 કરોડ રૂપિયાની છેતરપીંડી કેસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગણિત શાસ્ત્ર ભવનના વડા ડૉ. સમીર વૈદ્ય સામે પણ ફરિયાદ દાખલ થઇ હતી. આ સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વડાએ પણ એક વિવાદિત કવિતા લખી નાખી છે અને હવે સસ્પેન્ડ થયા છે.

ગુજરાતી ભવનના વડા પ્રો.મનોજ જોશીએ એક કવિતા લખીને સસ્પેન્શન વહોર્યું છે. કવિતા લખવા બદલ મનોજ જોશીને નોટિસ પાઠવાઇ હતી. કુલપતિએ પોતે પણ આ કવિતા વાંચ્યા બાદ નોટિસ પાઠવી હતી. મનોજ જોશી વિરુદ્ધ ખાતાકીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે. તેમના કેમ્પસમાં પ્રવેશ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

સસ્પેન્ડ કરાવી શકે તેવી કવિતા…
રોજરોજ કૌભાંડ જ આવે,
બોલ ભાઈ ભજીયા શેં ભાવે,
કોઈ ફસાયા કેસ મહી તો કોઈ થયા સસ્પેન્ડ,
થયા એટલા કાંડ કે જેનો આવે ના ધી એન્ડ,
રાજ્યસભાના સભ્ય થયા નારાજ, કરી ફરિયાદ
ભેદભાવથી ભાગ પડાવ્યા એવો જાતિવાદ,
સમીર એટલે હવા અને એ ઉડી ગયો પરદેશ,
કોઈ નથી બાકી એમાંથી, સૌ પર ચાલે કેસ,
ફક્ત નામનો, નથી કામનો ખૂબ કર્યું નુકસાન,
કયા શુકનમાં ચાર્જ લીધો તે ચાલુ થઇ ગઈ પડતી,
એની નબળી નીતિ અને પટલાઇ સૌને નડતી,
બંધ કરાવી કોલેજો એ નાઘેડી કે ધારી,
શિક્ષણની કરી દુર્દશા કરતો ભૂંડી કારી,
સૌને નડતો, પગમાં પડતો પોતે એક પનોતી,
હવે અમારી સંસ્થા ઉદ્ધારકની વાટુ જોતી,
મીડિયા, જનતા, છાત્ર આપતા શાપ , શરમ ના આવે?
બધાં મોરચે થયો વિફળ ને તો પણ ભજીયા ભાવે ?
– કવિ મનોજ જોશી

    follow whatsapp