સરદાર સરોવર ડેમ ઓવરફલો, જાણો કેટલા થશે ફાયદા

નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: ગુજરાતની જિવાદોરી નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળસપાટી પૂર્ણ કક્ષાએ એટલે કે 138.68 મીટરે પહોંચી છે. જેના પરિણામે જળાશયમાં 4.73 મિલીયન એકર…

gujarattak
follow google news

નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: ગુજરાતની જિવાદોરી નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળસપાટી પૂર્ણ કક્ષાએ એટલે કે 138.68 મીટરે પહોંચી છે. જેના પરિણામે જળાશયમાં 4.73 મિલીયન એકર ફૂટ એટલે કે 5.76 લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર ડેમ 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચવાની ગૌરવ ઘટનામાં સહભાગી થઇ મા નર્મદાના નીરના વધામણા ગુરૂવારે સવારે એકતાનગર પહોંચીને કર્યા હતા. સરદાર સરોવર ડેમ ઓવરફલો થતાં સરકાર અને જનતાને અનેક ફાયદા થયા છે. સરકાર અને જનતાની અનેક મુશ્કેલીનો અંત આવશે.

પાણીની સમસ્યા થશે દૂર
સરદાર સરોવર નર્મદા ડેમ 2019 અને 2020 પછી આ વર્ષે ત્રીજીવાર પૂર્ણ જળાશય સપાટીએ છલકાયો છે. એકતાનગર ખાતે નમામી દેવી નર્મદેના મંત્રોચ્ચાર સાથે આયોજિત નર્મદા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા હતા અને મા નર્મદાના જળના તેમણે શ્રીફળ ચુંદડીથી વધામણાં કર્યા હતા. આ વર્ષે થયેલા વ્યાપક વરસાદને પરિણામે નર્મદા બેસિન અને ડેમમાં પાણીની સારી આવક થઈ છે.પાણીનો આ આવરો થવાથી રાજ્યના ગામો ,નગરો અને શહેરોમાં આગામી ઉનાળાની સીઝન સુધી પુરતું પાણી આપી શકાશે અને પાણીની તંગીનો સામનો કરવાની સ્થિતિ ઊભી થશે નહીં.એટલું જ નહીં નર્મદા કમાન્ડ વિસ્તારના બધા ગામોના ખેડૂતોને રવી પાકની સિંચાઈના હેતુ માટે નર્મદાનું પર્યાપ્ત પાણી મળશે. આ ઉપરાંત નર્મદા ડેમમાં પાણીની વધુ ઉપલબ્ધિને કારણે સૌરાષ્ટ્રમાં સૌની યોજના તેમજ ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ અને અન્ય ઉદવહન યોજનાઓ માટે હાલ નર્મદા જળ આપવામાં આવી રહ્યા છે.

કેવડીયાથી કચ્છ પહોંચ્યું પાણી
ગુજરાતના 9104 ગામો, 169 શહેરો અને 7 મહાનગરપાલિકા મળી રાજ્યની 4 કરોડથી વધુ જનસંખ્યાને પીવાના પાણી તરીકે નર્મદા જળ પહોંચી રહ્યા છે . એટલું જ નહિ, 63,483 કિલોમીટર લંબાઇના નહેરના કામો પૂર્ણ થઇ ગયા છે તેના પરિણામે કચ્છ સહિત રાજ્યના 17 જિલ્લાના 78 તાલુકાની 16.99 લાખ હેક્ટર જમીનને સિંચાઇ સુવિધા મળે છે. નર્મદા મૈયાના પાવન જળ કેવડીયા એકતા નગરથી 743 કિ.મીટરની યાત્રા પૂરી કરીને તાજેતરમાં જ કચ્છના છેક છેવાડાના વિસ્તાર મોડકુબા સુધી પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ 2014માં દેશનું સુકાન સંભાળ્યાના માત્ર 17 દિવસમાં જ આ બહુ હેતુક સરદાર સરોવર નર્મદા ડેમને પૂર્ણ ઊંચાઇ સુધી લઇ જવાની મંજૂરી આપી હતી અને ગુજરાતના વર્ષો જુના પ્રશ્નનો અંત લાવી રાજ્યને ઉજ્વળ ભાવિની દિશા આપી હતી.

2017 બાદ ત્રીજી વખત ડેમ ભરાયો
રાજ્ય સરકારે પણ મંજૂરી મળ્યાના દિવસથી જ કામગીરીનો આરંભ કરીને નર્મદા બંધ ની પૂર્ણ ઊંચાઇ સુધી પહોંચાડવાનું કાર્ય નિયત સમય કરતાં 7 મહિના વહેલું પુર્ણ કરી દીધું હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જ વરદહસ્તે 2017ની 17મી સપ્ટેમ્બરે આ બહુહેતુક યોજના રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી હતી. વર્ષ 2019માં નર્મદા ડેમ 138.68 મીટરની પૂર્ણ કક્ષાએ ભરાતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા નીરના વધામણાં કર્યા હતા. 2020માં પણ ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઇ ગયો હતો અને હવે ત્રીજીવાર 2022માં 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ ડેમ ભરાઇ જતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાનું પૂજન કરી જળના વધામણાં કર્યા હતા.

8,215 ગામોને પીવાનું પાણી પૂરું પડાશે
રાજ્યના 15 જિલ્લાના 73 તાલુકામાં સીંચાઈનું પાણી આપી શકાશે. રાજ્યના 3,137 ગામોની 185.45 લાખ હેક્ટર જમીન માટે પાણી પૂરું પાડવામાં આવે છે. રાજ્યમાં 8,215 ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે. આખા રાજ્યમાં 6 વર્ષ માટે પીવાના પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે આ ઉપરાંત ખેડૂતો ચાલુ વર્ષે 2 પાક લઈ શકશે.

    follow whatsapp