અમદાવાદઃ ‘સંભવ હો ઉતના પૈસા બના લો…’ પોતાની સંસ્થાની વેબસાઈટ પર ખાસ આ શબ્દો લખતો ધોરણ 10 પાસ ચીટર સંજય શેરપુરિયા વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે તસવીરો પડાવી તેનો ઉપયોગ કોરોડોનું ફુલેકું ફેરવવામાં કરતો હતો. આ સંજય શેરપુરિયાની પુછપરછ ઉત્તર પ્રદેશ ટાસ્ક ફોર્સ દ્વારા કરવામાં આવી રહી છે. આ પુછપરછ દરમિયાન સામે આવ્યું છે કે સંજય એક ગુપ્ત ડાયરી રાખતો હતો જેમાં કૌભાંડમાં મદદરૂપ થયેલાઓના નામો પણ દર્શાવ્યા છે. ખાસ કરીને તેણે ગુજરાતના કયા નેતા, સાસંદ, ધારાસભ્યો અને આઈએએસ અધિકારીઓના નામ પણ લખ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ડાયરી બહાર આવશે તો ગુજરાતમાં ખળભળાટ મચી શકે છે તેવી ચોંકાવનારી વિગતો તેણે ડાયરીમાં કોડવર્ડ સાથે ટપકાવી હોવાનું સામે આવી રહ્યું છે.
ADVERTISEMENT
પોલીસની પુછપરછમાં સંજયે વટાણા વેર્યા
મીડિયા રિપોર્ટ અનુસાર સંજય શેરપુરિયાાએ પોલીસ સમક્ષ કબૂલ કર્યું છે કે કંડલા એનર્જી એન્ડ કેમિકલ કંપની સહિત અન્ય શેલ કંપનીઓ ઊભી કરી તેણે કરોડો રૂપિયા ભેગા કર્યા છે. પોલીસની પુછપરછમાં સામે આવ્યું છે કે સંજયે એક ગુપ્ત ડાયરી પણ રાખી છે. જેમાં તેના કાળા કામોનો ચીઠ્ઠો જાણવા મળે છે. જેમાં આ કૌભાંડમાં સંડોવાયેલાઓના નામ પણ તેણે લખ્યા છે.
સુરતની મહિલા પ્રોફેસરના આપઘાતમાં ચોંકાવનારો ખુલાસો, ટોળકી અભદ્ર ફોટો બનાવી કરતી બ્લેકમેઈલ
ડાયરી ઉકેલાય નહીં તેથી કોડવર્ડમાં લખી
ઉલ્લેખનીય છે કે સંજય શેરપુરિયાએ ગુજરાતી સિંધી યુવતી કંચન રાય સાથે લગ્ન કર્યા છે. તેના સાસરિયા કચ્છ ઉપરાંત અમદાવાદમાં રહે છે. સંજયનું કહેવું છે કે આ ગુપ્ત ડાયરી હાલ અમદાવાદ ખાતે તેના સાસરિયા પાસે છે. જોકે ડાયરી વાંચીને કોઈને ખબર ન પડી જાય તે કારણે તેણે ડાયરીમાં બધું કોડવર્ડમાં લખ્યું છે. પોલીસ આ ડાયરી પકડીને જાહેર કરે તો ઘણો મોટો ઉહાપોહ મચી જાય તેમ છે. કારણ કે તેમાં ઘણી ચોંકાવનારી વિગતો હોવાની પોલીસને પણ આશંકા છે. આ ડાયરીનું પગેરું યુપી પોલીસને અમદાવાદ સુધી લઈ આવશે તેવો ગણગણાટ પણ શરૂ થયો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ચીટર કિરણ પટેલ અને માલિની પટેલના કેસમાં જે ભાજપના નેતાઓનું નામ સામે આવતું હતું તે સમગ્ર પ્રકરણ પર ઠંડુ પાણી રેડાઈ ગયું હોવાનું કહેવાય છે. હવે સંજય નામનું હાડકું ગુજરાત ભાજપના નેતાઓ અને આઈએએસ અધિકારીઓના ગળામાં ફસાય નહીં તે માટે સહુના જીવ અધ્ધર થઈ ગયા છે.
ADVERTISEMENT