જામનગર: ભારતીય ક્રિકેટ માટે આજે આઘાત જનક સમાચાર સામે આવ્યા છે. એક સમયના ખ્યાતનામ ડાબોડી ઓલરાઉન્ડર તેમજ સિક્સરના બેતાજ બાદશાહ એવા વિશ્વભરમાં ક્રિકેટ ક્ષેત્રે જામનગરનું નામ રોશન કરનારા સલીમ દુરાનીએ આજે અંતિમ શ્વાસ લીધા છે.
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટના એક સમયના સિકસરના બેતાજ બાદશાહ ગણાતા ઓલરાઉન્ડર સલીમ દુરાનીનો જન્મ તારીખ 11 ડિસેમ્બર 1934ના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો. અને વર્ષોથી ભારતમાં વસવાટ કરતા હતા. જેઓ હાલ જામનગરમાં જ રહેતા હતા. ત્યારે લાંબી બીમારી બાદ આજે તેમણે જામનગરમાં અંતિમ શ્વાસ લીધા છે.
પબ્લિક ડિમાન્ડ પર લગાવતા હતા સિક્સર
કહેવાય છે કે સલીમ દુર્રાની સિક્સર મારવામાં એટલો માહેર હતા કે ભીડમાં જો કોઈ દર્શક તેમને સિક્સ મારવાનું કહે તો તે ત્યાં સિક્સર ફટકારતાં હતા. તે પબ્લિક ડિમાન્ડ પર સિક્સર મારવા માટે જાણીતા હતા. સલીમ દુર્રાની બેટિંગની સાથે આક્રમક બોલિંગ પણ કરતા હતા. તેણે અનેક વખત બોલિંગ કરીને ભારતને મેચમાં વાપસી કરાવી છે. એવો સમય હતો જ્યારે ભારતીય ટીમ તેના પર નિર્ભર રહેતી હતી.
ભારત માટે રમ્યા હતા 29 મેચ
સલીમ દુરાનીએ ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો તે સ્થળ હતું બ્રેબોર્ન સ્ટેડિયમ, અને હરીફ ટીમ હતી રિચી બેનોની ઑસ્ટ્રેલિયન ટીમ. ત્યાર પછી તો તેઓ આવી 29 ટેસ્ટ રમ્યા જેમાં એક સદી અને સાત અડધી સદી સાથે 25.04ની સરેરાશથી 1202 રન ફટકાર્યા અને બૉલિંગમાં 75 વિકેટ પણ ઝડપી હતી. મૅચમાં દસ વિકેટ પણ ઝડપી અને ઇનિંગ્સમાં પાંચ વિકેટની સિદ્ધિ ત્રણ વખત હાંસલ કરી હતી.
પ્રથમ અર્જુન એવોર્ડ મેળવ્યો હતો
1961માં ભારત સરકારનો સૌપ્રથમ અર્જુન ઍવૉર્ડ પ્રાપ્ત કર્યો અને 2011માં બીસીસીઆઈનો લાઇફ ટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડ પણ હાંસલ કર્યો અને આવા જ આત્મવિશ્વાસ સાથે સલીમ દુરાની આજે 87 વર્ષની વયે જામનગરમાં ‘બેફિકર’ જીવન પસાર કરી રહ્યા છે, મિત્રોને મળી રહ્યા છે.
એક સમય તો તેમને ટેસ્ટ મેચમાં દર્શકો ને લીધે લેવા પડ્યા
પૂર્વ ક્રિકેટર સલીમ દુર્રાનીને એક સમયે સિલેક્શન ટીમ દ્વારા ટેસ્ટ મેચમાં ન લેવાતા, સ્ટેડિયમમાં હાજર દર્શકો સહિત લોકોએ સૂત્રો બોલી વિરોધ દર્શાવ્યો હતો. જેમાં દર્શકો એ સૂત્રો બોલ્યા હતા કે, નો દુર્રાની નો ટેસ્ટ. આ સૂત્રો અને વિરોધ ને જોતા સિલેક્શન ટીમે પણ નમતું જોઈ સલીમ દુર્રાનીને ટેસ્ટ મેચમાં સિલેક્ટ કર્યા હતા. જો કે, એ ટેસ્ટ મેચમાં પણ સલીમ દુર્રાનીએ 78 રન અને 4 વિકેટ લઈ સિલેક્શન ટીમના મોં સીવી આપ્યા હતા.
વડાપ્રધાન મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સલીમ દુરાનીના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સલીમ દુરાનીજી ક્રિકેટના દિગ્ગજ હતા, પોતાનામાં એક સંસ્થા હતા. તેણે ક્રિકેટની દુનિયામાં ભારતના ઉદયમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. મેદાન પર અને મેદાનની બહાર તે પોતાની સ્ટાઈલ માટે જાણીતા હતા. તેમના નિધનથી દુઃખી. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. તેમની આત્માને શાંતિ મળે.
(વિથ ઈનપુટ: દર્શન ઠક્કર, જામનગર )
ADVERTISEMENT