સાળંગપુર મંદિર વિવાદ મામલે કરણી સેનાએ આપી ચીમકી, સાંસદે સ્વામિનારાયણ સંતોને આપી સલાહ

Salangpur Hanumanji Temple: સાળંગપુરમાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાની નીચેના ભીંત ચિત્રોને લઈને વિવાદ વકર્યો છે. એક બાદ એક હિન્દુ સંગઠનો તથા સંત સમાજના લોકો…

gujarattak
follow google news

Salangpur Hanumanji Temple: સાળંગપુરમાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાની નીચેના ભીંત ચિત્રોને લઈને વિવાદ વકર્યો છે. એક બાદ એક હિન્દુ સંગઠનો તથા સંત સમાજના લોકો હવે સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધમાં સુર ઉઠાવી રહ્યા છે અને હનુમાન દાદાની સહજાનંદ સ્વામીના દાસ તરીકેના ભીંત ચિત્રોને હટાવવાની માંગ કરી રહ્યા છે. આ વિવાદમાં હવે કરણી સેના પણ ઉતરી છે અને 2 દિવસનું અલ્ટીમેટમ મંદિરને આપવામાં આવ્યું છે. તો સાંસદ રામ મોકરિયાએ પણ આ અંગે પહેલીવાર પ્રતિક્રિયા આપી છે.

કરણી સેનાએ 2 દિવસનું અલ્ટીમેટમ આપ્યું

સુરતમાં કરણી સેનાએ સાળંગપુરમાં વિવાદિત ભીંતચિત્રોને લઈને વિરોધના સૂર ઉઠાવ્યા છે. કરણી સેનાના રાજ શિખાવતે 4 સપ્ટેમ્બર સુધીમાં ચિત્ર હટાવી લેવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. જો 4 સપ્ટેમ્બર સુધી ચિત્ર હટાવવામાં નહીં આવે તો કરણી સેના સાથે સુરતના સંગઠન પણ સાળંગપુર પહોંચશે.

લીંબડીમાં 100 સાધુ-સંતોની બેઠક મળશે

બીજી તરફ ભીમાનથ મહાદેવ મંદિરના મહંત અને મહામંડલેશ્વર આશુતોષ ગિરી બાપુ પણ રોશમાં જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, મંદિર દ્વારા વહેલી તકે ભીંતચિત્રો હટાવી લેવા જોઈએ. આગામી ચારથી પાંચ દિવસમાં લીંબડી મુકામે 100 જેટલા સાધુ-સંતો ની બેઠક મળશે. ત્યારબાદ ભીમનાથ મંદિર ખાતે 3000 હજાર સાધુ સંતોનું અધિવેશન મળશે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભીતચિત્રોને લઈ યોગ્ય કરે તેવી આશા છે નહિતર અમને બધા ધર્મ ગુરુને કેવી રીતે ભીંતચિત્રો કાઢવા તે આવડે છે. જરૂર પડે તો 5000 હજાર જેટલા સાધુ સંતો સાળગપુર મંદિર ભેગા થઈ ઉપવાસ આંદોલન સહિતના કાર્યક્રમો કરી ભીંતચિત્રો હટાવીને રહેશું.

સારંગપુર વિવાદ મામલે સાંસદ રામ મોકારિયાનું નિવેદન

સાંસદ રામ મોકરીયાએ કહ્યું કે, કોઈ ભગવાનને નીચા ના દેખડવા જોઈએ, હનુમાનજીને નીચા દેખાડવામાં આવ્યા તે યોગ્ય નથી. સ્વામિનારાયણ સંપ્રદાયને હું વિનંતી કરું છું કે વિવાદ ન થાય તેવું કરવું જોઈએ. વિવાદ ઉભો થાય તો તેમાંથી હટી જવું જોઈએ. હિન્દુ સમાજમાં અંદરો અંદર વિવાદ ઉભો થાય તેવું ન કરવું જોઈએ. મંદિરના પૂજારી હોય તો એને પૂજારી તરીકે જ રહેવું જોઈએ. એ એમ કહે કે હું ભગવાન છું તો એ ના ચાલે. હિન્દુ સમાજમાં ખોટા ભાગ ન પડે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. લોકોની આસ્થાને ઠેસ પહોંચે તેવા ચિત્રો દૂર કરવા જોઈએ, શંકરાચાર્યથી કોઈ મોટું નથી તેની અપીલ સૌ લોકોએ માનવી જોઈએ.

(વિથ ઈનપુટ: સંજયસિંહ રાઠોડ, નિલેશ શિશાંગીયા)

    follow whatsapp