જામનગર: શહેરમાં આયોજિત મેરી મીટ્ટી, મેરા દેશ કાર્યક્રમમાં સાંસદ- ધારાસભ્ય અને મેયર વચ્ચે ચકમકનો વીડિયો હાલ સમગ્ર માધ્યમોમાં છવાયેલો છે. ભાજપ અને જામનગરમાં ખુબ જ શક્તિશાળી ગણાતા પુનમ માડમને ધારાસભ્ય રિવા બાએ ઝાટકી નાખ્યા હતા. નાના મોટા કે પદ કોઇ પણ પ્રકારની શરમ રાખ્યા વગર રિવા બાએ પુનમ માડમની ઝાટકણી કાઢી નાખી હતી. જેના પગલે સમગ્ર ભાજપ મોરચામાં સોપો પડી ગયો હતો. ભાજપના નેતાઓ ડિફેન્સિવ મોડમાં આવી ચુક્યાં છે.
ADVERTISEMENT
સાંસદ પુનમ માડમ સામેની તુમાખી જોઇ તમામ આશ્ચર્યચકિત
જો કે દિગ્ગજ ગણાતા પુનમ માડમ સામે રિવાબા આટલી તુમાખી કરી તેમ છતા પણ પ્રદેશ પ્રમુખની માંડીને તમામ લોકો સંપુર્ણ ચુપ છે. આ ઉપરાંત રિવા બા પાસે પણ એવો કયો જાદુઇ ચિરાગ છે કે તેઓ સાંસદની સામે આટલા ગરમ થયા તેમ છતા સાંસદ સાંભળતા રહ્યા અને તેઓએ ગમ ખાઇને જ સંતોષ માનવો પડ્યો હતો.
રવિન્દ્ર જાડેજાના પત્ની છે રિવા બા જાડેજા
અત્રે નોંધનીય છે કે, રિવાબા જાડેજા ખ્યાતનામ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે. તેઓની ભાજપની ગુજરાત નહી પરંતુ દિલ્હીમાં રહેલા હાઇકમાન્ડ સાથે અંગત ધરોબો હોવાનું માનવામાં આવે છે. તેઓને જામનગર ઉત્તરમાં પણ પેરાશુટ ઉમેદવાર તરીકે જાહેર કરાયા હતા. હકુભા જાડેજા જેવા દિગ્ગજ નેતાનું પત્તુ કાપવામાં આવ્યું હતું. જે તે સમયે હકુભાના ટેકેદારોએ ભારે હોબાળો કરવા છતા પણ રિવાબા જાડેજાને પેરાશુટ ઉમેદવાર બનાવાયા હતા. આપની વધતી ધોસ વચ્ચે પણ તેઓ 50 હજાર કરતા વધારે મતની લીડથી વિજય મેળવ્યો હતો. પોતે જામનગરમાં માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક પ્રવૃતિઓ કરવા ઉપરાંત ક્ષત્રીય સમાજની સામાજિક પ્રવૃતીમાં પણ તેઓ જોવા મળતા હોય છે.
ભાજપના દિગ્ગજ નેતાઓ પણ રિવાબાથી દુર રહે છે
રિવાબા જાડેજાનો દબદબો એટલો છે કે ભાજપના સંગઠન કે પક્ષના નેતાઓ પણ તેમને વતાવવાનું ટાળે છે. તેઓની તુમાખીની ફરિયાદ અનેક વખત રાજ્યના ટોપના નેતૃત્વ સુધી પહોંચી છે. તેમ છતા પણ કોઇ નેતા તેમને કંઇ પણ કહેવાનું ટાળતા રહે છે. આજે તેનો પરચો ભાજપના દિગ્ગજ નેતા અને સાંસદ પુનમ માડમને પણ મળી ગયો હતો. નાના મોટા કે પદનું કોઇ પણ પ્રકારનું ભાન રાખ્યા વગર તેઓએ જાહેરમાં મેયર અને સાંસદ બંન્નેને તતડાવ્યા હતા. તેમની બોડી લેંગ્વેજમાં ભારોભાર તુમાખી જોવા મળી રહી હતી. અનેક અધિકારીઓ અને ધારાસભ્યો ને પદાધિકારીઓના વ્હારવા છતા પણ તેઓ બોલતા જ રહ્યા હતા. સાંસદે ચુપ રહીને સમગ્ર મામલો થાળે પાડવાની ફરજ પડી હતી.
ADVERTISEMENT