બનાસકાંઠા : વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતનું વાતાવરણ ઠંડુગાર થઇ ચુક્યું છે. સવારથી જ કાળાડિબાંગ વાદળો બાદ બપોરે અચાનક જ અનેક વિસ્તારોમાં વરસાદ તુટી પડ્યો હતો. બપોર બાદ ઉત્તરગુજરાતના વાતાવરણમાં સૌથી વધારે પલટો જોવા મળ્યો હતો. બનાસકાંઠા, પાટણ અને મહેસાણા સહિત અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ ખાબક્યો હતો. સમગ્ર જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સાંજે જિલ્લાના અનેક તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાટ એટલે કે સામાન્ય છાંટા નહી પરંતુ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેના કારણે ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો હતો. જો કે આ વરસાદ ખેડૂતો માટે તો ખુબ જ નુકસાનકારક સાબિત થયો હતો.
ADVERTISEMENT
વાવ તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો
વાવ તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે રોડ રસ્તા પર નદીઓ વહેતી થઇ હતી. થરાદમાં પણ અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા પેઠી છે. ભારે વરસાદના કારણે ખેડૂતોનો પાકમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ભારે વરસાદના કારણે વાવ અને થરાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. થરાદમાં ઠેરઠેર પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. નીચાણવાળા વિસ્તારમાં સૌથી વધારે મુશ્કેલી સર્જાઇ હતી.
ખેડૂતોને પાકના બદલે હવે માત્ર સડેલો માલ એકત્ર કરવાનો વારો આવ્યો
બીજી તરફ ખેડૂતોને પણ ઘઉ, એરંડા, રાયડો સહિત અનેક પાકોમાં નુકસાન થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતના ખેડૂતોની ઉનાળાની સિઝન જ નિષ્ફળ થઇ છે. આ વર્ષે ઉનાળાની શરૂઆતથી જ કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે. સતત ભારે વરસાદ અને પવનના કારણે પાકમાં રોગો અને ત્યાર બાદ વરસાદના કારણે તમામ પાક નિષ્ફળ ગયો છે.પાટણ અને મહેસાણામાં પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતો ભારે પરેશાન થયા છે. આ ઉપરાંત ભર ઉનાળે વરસાદના કારણે રોગચાળો પણ ભારે વકરી ગયો છે. જેના કારણે લગભગ ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT