વડોદરા : શહેરના સમા વિસ્તારમાં આવેલા રાધાકૃષ્ણ ફ્લેટમાં પોતાના મિત્રોને મળવા ગયેલા એક યુવકનું શંકાસ્પદ હાલતમાં મોત થતા ચકચાર મચી ગઇ છે. નિવૃત લશ્કરી જવાનના પુત્રનું શંકાસ્પદ કેફી પીણું પીધા બાદ મોત નિપજ્યું હતું. વહેલી સવારે બનેલા બનાવની જાણ થતા મોટા પ્રમાણમાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. શંકાસ્પદ હાલતમાં મળેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો હતો. આ રૂમમાં રહેતી એક યુવતી સહિત 2 લોકોની પોલીસે પુછપરછ શરૂ કરી છે.
ADVERTISEMENT
વડોદરાના સમા વિસ્તારની લક્ષ્મીકુંજ સોસાયટીમાં રહેતા અશોકભાઇ કરન નિવૃત આર્મી જવાન છે. તેમનો એકનો એક પુત્ર વિવેક કરન (ઉ.વ 32) અમદાવાદ ખાતે આવેલી એક ખાનગી કંપનીમાં HR તરીકે ફરજ બજાવે છે. તે વડોદરા પોતાના પરિવારને મળવા માટે આવતો જતો રહે છે. જો કે કાલે વડોદરા આવીને ચાણક્યપુરીની રાધાકૃષ્ણ ફ્લેટમાં તે પોતાના મિત્રોને મળવા માટે ગયો હતો. જો કે દરમિયાન તેનું શંકાસ્પદ હાલતમાં મોત નિપજ્યું હતું. જેના પગલે રૂમમાં રહેતી નેહા નામની યુવતીએ પોલીસને ઘટના અંગે જાણ કરી હતી.
બીજી તરફ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે સ્થળ પર તપાસ કરી હતી. ઉપરાંત આસપાસમાં તપાસ કરતા રૂમની બારીની નીચે પતરાના શેડ પરથી સિરિંઝ મળી આવી હતી. આ ઉપરાંત ઉંઘની ગોળીઓ પણ મળી આવી હતી. સ્થાનિકોનો આક્ષેપ છેકે, રૂમમાં મિત્રો એકત્ર થઇને દારૂ અને ડ્રગ્સની પાર્ટી કરતા હોય છે. વારંવાર આ ઘરમાંથી શોર બકોરનો અવાજ પણ આવતો રહે છે.
ADVERTISEMENT