સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસને આમ આદમી પાર્ટીનું એવું નડતર નડ્યું કે કોંગ્રેસ પાસે હતી તેના કરતાં વધુ ગુમાવવાનું થયું છે. કોંગ્રેસે આ વખતે અમદાવાદમાં પોતાના કાર્યાલય બહાર રાખેલી પરિવર્તનની ઘડિયાળને કોંગ્રેસના જ કાર્યકરો દ્વારા તોડી નાખવામાં આવી છે. ગુજરાતના ઈતિહાસમાં લગભગ આવું પહેલી વખત થયું છે કે વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસની એટલી પણ બેઠક નથી કે તે વિપક્ષ તરીકે વિધાનસભામાં બેસી શકે. વિપક્ષમાં બેસવા નીયમ પ્રમાણે 10 ટકા બેઠક મેળવવી અનિવાર્ય છે. દરમિયાનમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા રેશ્મા પટેલે ગુજરાતના પરિણામોને લઈને નિવેદન આપ્યું હતું. ભાજપના ભ્રષ્ટ કિલ્લાને ભેદી નાખ્યો છે તેવું કહીને હવે તેમણે પાર્ટીના કાર્યકરોને વધુ મહેનત કરીને પાર્ટીને મજબુત કરવાની વાત કરી છે.
ADVERTISEMENT
રેશ્મા પટેલે શું કહ્યું…
આમ આદમી પાર્ટીના નવ નીયુક્ત પ્રવક્તા રેશ્મા પટેલે કહ્યું કે, ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી બનાવવાનું જે ગૌરવ આપ્યું છે તે બદલ હું ગુજરાતની જનતાનો આભાર માનું છું. અમે 27 વર્ષથી ભાજપનો જે કિલ્લો કહેવાતું હતું તે ભ્રષ્ટ કિલ્લાને ભેદી અવશ્ય દીધો છે.
જગ્દીશ ઠાકોરે કહ્યું…
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગ્દીશ ઠાકોરે કહ્યું કે, ભાજપની નેતાગીરીને હું અભિનંદન આપું છું. કોંગ્રેસે લોકોના મુદ્દાઓ લઈને ચૂંટણી લડી છે. ભાજપ આગામી સમયમાં લોકોના મુદ્દાઓ પર કામ કરે તેવી આશા છે. આમ આદમી પાર્ટી અને ઓવૈસી અંગે અમે પહેલાથી જ કહેતા હતા કે કોંગ્રેસના મત કાપવા આવ્યા છે અને તેવું થયું છે. તે ચૂંટણી જીતવા ન્હોતા આવ્યા. પરિણામમાં તેઓ ચૂંટણી નથી જીત્યા, પરંતુ કોંગ્રેસને હરાવવામાં આપ અને ઓવૈસીનો મોટો રોલ રહ્યો છે. હાર જોઈને કોંગ્રેસ ચુપ બેસવાની નથી, ઘર પકડીને બેસવાની નથી.
નરેન્દ્ર મોદીએ શું કહ્યું…
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આભાર ગુજરાત. ચૂંટણીના અસાધારણ પરિણામો જોઈને હું ઘણી લાગણીઓથી વહી ગયો છું. લોકોએ વિકાસની રાજનીતિને આશીર્વાદ આપ્યા અને સાથે જ ઈચ્છા વ્યક્ત કરી કે તેઓ ઈચ્છે છે કે આ ગતિ વધુ ગતિએ ચાલુ રહે. હું ગુજરાતની જનશક્તિને નમન કરું છું.
ADVERTISEMENT