Bilkis Bano Case: પૂર્વ બ્યૂરોક્રેટ્સ આવ્યા મેદાને, બિલકિસ બાનો કેસના આરોપીને મુક્ત કરવાના નિર્ણયને સુધારવાની વિનંતી કરી

અમદાવાદ: ગુજરાતમાં ગોધરા કાંડ પછી ત્રણ માર્ચ 2002ના રમખાણો ભડક્યા હતા. આ દરમિયાન દાહોદ જિલ્લાના લિમખેડા તાલુકાના રંધિકપુર ગામમાં ઉગ્ર ભીડ બિલકિસ બાનોના ઘરમાં ઘુસી…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં ગોધરા કાંડ પછી ત્રણ માર્ચ 2002ના રમખાણો ભડક્યા હતા. આ દરમિયાન દાહોદ જિલ્લાના લિમખેડા તાલુકાના રંધિકપુર ગામમાં ઉગ્ર ભીડ બિલકિસ બાનોના ઘરમાં ઘુસી ગઈ હતી અને બિલકિસ બાનો પર સામૂહિક દુષ્કર્મ ગુજારી અને તેના પરિવારના 7 લોકોની હત્યા પણ કરી હતી. આ ઘટનાના દોષિતોને આજીવન કેદની સજા ફટકારવાં આવી હતી. સજા ભોગવી રહેલ 11 દોષિતોને 15 ઓગસ્ટના રોજ મુક્ત કરવામાં આવ્યા હતા અને  મામલો ગરમાયો હતો. હવે આ મામલે હવે 134 પૂર્વ બ્યૂરોક્રેટ્સે એક ઓપન લેટર લખીને દોષિતોને સજામુક્ત કરવાના નિર્ણયને ફરીથી સુધારવા માટે સુપ્રીમ કોર્ટ સમક્ષ આગ્રહ કર્યો છે.

દેશના પૂર્વ અમલદારોએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને ખુલ્લો પત્ર લખ્યો છે. તેમાંથી 134 ભૂતપૂર્વ સનદી અધિકારીઓએ બિલ્કીસ બાનો પર સામૂહિક દુષ્કર્મ અને તેના પરિવારના સભ્યોની હત્યા માટે જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 લોકોની અકાળે મુક્તિ સામે ભારતના મુખ્ય ન્યાયાધીશને ખુલ્લો પત્ર લખ્યો છે. પત્રમાં, તેમણે આ “ભયાનક ખોટા નિર્ણય” ને સુધારવાની વિનંતી કરી છે.
CJIને પત્ર લખનારાઓમાં ભૂતપૂર્વ સિવિલ સર્વન્ટ અને દિલ્હીના ભૂતપૂર્વ ગવર્નર નજીબ જંગ, વજાહત હબીબુલ્લાહ, હર્ષ મંડેર, જુલિયો રિબેરો, અરુણા રોય, જી બાલાચંદ્રન, રશેલ ચેટર્જી, નીતિન દેસાઈ, એચએસ ગુજરાલ અને મીના ગુપ્તાનો સમાવેશ થાય છે.

ભૂતપૂર્વ અમલદારોએ તેમના પત્રોમાં કહ્યું છે કે તેઓ આ ગુનાઓના ગુનેગારોને મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયથી નિરાશ છે. દોષિતો પ્રભાવશાળી વ્યક્તિઓ છે. આથી ન્યાયી ટ્રાયલ સુનિશ્ચિત કરવા માટે કેસને ગુજરાતમાંથી મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટમાં ટ્રાન્સફર કરવો પડ્યો હતો.વધુમાં, એવું પણ કહેવામાં આવ્યું છે કે આ એક દુર્લભ કેસ હતો જેમાં દુષ્કર્મીઓ અને હત્યારાઓને સજા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ કેસ સાથે સંકળાયેલા પોલીસકર્મીઓ અને ડોક્ટરોનો પણ આરોપીઓને બચાવવા અને ગુનાના પુરાવાનો નાશ કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

શું છે સમગ્ર મામલો…
ગુજરાતમાં ગોધરા કાંડ પછી ત્રણ માર્ચ 2002ના રમખાણો ભડક્યા હતા. આ દરમિયાન દાહોદ જિલ્લાના લિમખેડા તાલુકાના રંધિકપુર ગામમાં ઉગ્ર ભીડ બિલકિસ બાનોના ઘરમાં ઘુસી ગઈ હતી. આ દરમિયાન આ ભીડે બિલકિસ બાનો સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં તેના પરિવારના 7 લોકોની હત્યા પણ કરી દીધી હતી. આ ઘટના દરમિયાન બિલકિસ ગર્ભવતી હતી. જોકે સમગ્ર ઘટનામાં તેના પરિવારના 6 સભ્યો જીવ બચાવી ભાગવામાં સફળ રહ્યા હતા. જ્યારે 2004માં દુષ્કર્મના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

2008માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી
21 જાન્યુઆરી, 2008ના રોજ મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે આ 11 લોકોને બિલકિસ બાનોના પરિવારના 7 સભ્યોની હત્યા અને બિલકીસ બાનો પર સામૂહિક દુષ્કર્મના આરોપમાં આજીવન કેદની સજા ફટકારી હતી. બોમ્બે હાઈકોર્ટે તેમની સજાને માન્ય રાખી હતી. જ્યારે બિલકિસ બાનો પર સામૂહિક દુષ્કર્મ  થયો ત્યારે તે 21 વર્ષની હતી અને તે પાંચ મહિનાની ગર્ભવતી હતી. માર્યા ગયેલાઓમાં તેની ત્રણ વર્ષની પુત્રીનો પણ સમાવેશ થાય છે.

દોષિતોને 15 ઓગસ્ટે મુક્ત કરાયા
કેન્દ્ર સરકારે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીને ધ્યાનમાં રાખીને કેદીઓને મુક્ત કરવા અંગે રાજ્યોને વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી હતી. બળાત્કારના દોષિતો માટે અકાળે મુક્તિની કોઈ જોગવાઈ નહોતી. બિલકિસ બાનો સામૂહિક દુષ્કર્મ તથા બિલકિસ બાનોના પરિવારના સાત સભ્યોની હત્યાના દોષિત તમામ 11 લોકોને ભાજપની આગેવાની હેઠળની ગુજરાત સરકાર દ્વારા માફી નીતિ હેઠળ માફી આપવામાં આવી હતી. બાદમાં 15 ઓગસ્ટના રોજ ગોધરા સબ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આ માલલે બિલકિસ બાનો દ્વારા સરકારને આ નિર્ણય પરત લેવા અપીલ કરી કરી.

ન્યાય વ્યવસ્થામાં મારો વિશ્વાસ ડગમગી ગયો: બિલકિસ બાનો
11 દોષિતોને મુક્ત કરવા બાબતે બિલકિસ રસુલે કહ્યું હતું કે, આ 11 આરોપીઓની મુક્તિએ મારી પાસેથી મારી શાંતિ છીનવી લીધી છે અને ન્યાય વ્યવસ્થામાં મારો વિશ્વાસ ડગમગી ગયો છે. મારું દુ:ખ અને આ અચંબો ભરેલો વિશ્વાસ માત્ર મારા માટે જ નથી, પરંતુ તે તમામ મહિલાઓ માટે છે જેઓ આજે ન્યાય માટે કોર્ટમાં લડી રહી છે.

 

    follow whatsapp