Cylone Alert: Biparjoyને લઈ ગુજરાતમાં આ જિલ્લાઓને રેડ, તો આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

ગાંધીનગરઃ વિનાશકારી વાવાઝોડું બિપોરજોય ગુજરાત તરફ 12 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં તેની માઠી અસર ઘણા જિલ્લાઓમાં જોવા મળી શકે છે…

gujarattak
follow google news

ગાંધીનગરઃ વિનાશકારી વાવાઝોડું બિપોરજોય ગુજરાત તરફ 12 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં તેની માઠી અસર ઘણા જિલ્લાઓમાં જોવા મળી શકે છે તે લગભગ નક્કી છે. આજે રાત્રી પછી તેની અસરો અને ભયાનકતાને આપણે સહુ ઘણા વિસ્તારોમાં જોઈ શકીશું. 15મીએ આ વાવાજોડું ભયાનક સ્વરૂપ સાથે ગુજરાતને ધમરોળશે તેવો અંદાજ છે. જુનાગઢ, કચ્છ. પોરબંદર, મોરબી, જામનગર, રાજકોટ અને દેવભૂમિ દ્વારકામાં વાવાઝોડાનું અત્યંત મોટું જોખમ ઊભું છે.

હાલમાં જ પ્રાપ્ત વિગતો અનુસાર પોરબંદર અને જુનાગઢના માંગરોળમાં ભારે પવન અને વરસાદથી એક મકાન કાગળના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું હતું. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ ઘટનામાં એક બાળક સહિત 4 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે. વાવાઝોડાની જ્યાં હાલ તિવ્ર અસરો જોવા મળી રહી છે ત્યાંના લોકો રીતસર એક અલગ જ ભય અનુભવી રહ્યા છે. દરમિયાનમાં હવામાન વિભાગની આગાહી સામે આવી છે જેમાં કેટલાક વિસ્તારોને એલર્ટ પર મુકવામાં આવ્યા છે.

ખાખીને સલામ! વાવાઝોડાના સંકટ વચ્ચે કચ્છમાં આ રીતે 102 વર્ષના માજીને શેલ્ટર હોમમાં ખસેડાયા

13 અને 14 જુને આ જિલ્લા રેડ એલર્ટ પર
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતી કહે છે કે વાવાઝોડાથી 15મી જૂને માંડવી અને કરાચી વચ્ચે લેન્ડફોલ થવાની સંભાવના છે. જ્યારે લેન્ડફોલ થશે ત્યારે તે વધારે જોખમી બનશે. બિપોરજોય નોર્થ ઈસ્ટ તરફ રહેશે. ઉલ્લેખનીય છે કે આગાહી પ્રમાણે આજની જ વાત કરીએ તો 13મી જૂને 4 જિલ્લા જામનગર, રાજકોટ, જુનાગઢ અને કચ્છને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 14મી જૂને કચ્છ, દેવભૂમિ દ્વારકાને રેડ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. જ્યારે મોરબી, જામનગર અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ રાજકોટ અને જુનાગઢમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

15મીએ વાવાઝોડું ગુજરાતને ધમરોળશે
આગાહી પ્રમાણે અત્યંત ભારે વરસાદ, પવન સાથે ગુજરાતના કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા ખાતે વાવાઝોડા બિપોરજોયને કારણે 15મીએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ પછી ભારે પવન, વરસાદની આગાહી સાથે રાજકોટ, મોરબી, જુનાગઢ અને પોરબંદરને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, બોટાદ, ભરુચ , ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ અને દમણમાં પણ વરસાદ અને ભારે પવન ફૂંકાવાની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાયના બાકી જિલ્લાઓ માં કોઈ પ્રકારની ભયાનક અસરો જોવા મળશે નહીં તેવું અનુમાન છે.

ગુજરાતથી હજુ 250 કિલોમીટર દૂર છે વાવાઝોડું
12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આવી રહેલું બિપોરજોય હજુ ગુજરાતથી 280 કિલોમીટર જેટલું દૂર છે. મનોરમા મોહંતી કહે છે કે, દ્વારકાથી 280 કિલોમીટર, નલિયાથી 330 અને જખૌથી 310 કિલોમીટર દૂર છે. પણ જ્યારે લેન્ડફોલ થશે ત્યારે દરિયો 2થી ત્રણ મીટર ઉપર આવી શકે છે.

    follow whatsapp